India vs South Africa 2nd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાયપુરમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. ભારતે આપેલા 359 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ રોમાંચક અંતે 4 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ વિદેશી ધરતી પર દક્ષિણ આફ્રિકા દ્વારા ચેઝ કરવામાં આવેલો સૌથી મોટો ODI સ્કોર છે.
India vs South Africa 2nd ODI ભારતીય ઇનિંગ્સ: કોહલી અને રુતુરાજની સદી
મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 358 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. રોહિત શર્મા (14) અને યશસ્વી જયસ્વાલ (22) ઝડપથી આઉટ થયા હતા, પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને રુતુરાજ ગાયકવાડ એ બેટિંગનો મોરચો સંભાળી લીધો હતો. રુતુરાજ ગાયકવાડે 83 બોલમાં 105 રન (12 ચોગ્ગા, 2 છગ્ગા) ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 93 બોલમાં પોતાની 53મી ODI સદી પૂરી કરીને 102 રન બનાવ્યા હતા. આ બંને દિગ્ગજોની સદીઓ છતાં, ભારતને હારનો સામનો કરવો પડ્યો, જેનાથી તેમની મહેનત અર્થહીન બની ગઈ.
India vs South Africa 2nd ODI સાઉથ આફ્રિકાની ભવ્ય ચેઝ અને ડ્રોપ કેચનો મોટો ફટકો
359 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે અદ્ભુત બેટિંગ પ્રદર્શન કર્યું. તેમના માટે માર્કરામ ની સદી નિર્ણાયક સાબિત થઈ, જેમણે 110 રન બનાવ્યા. તેમને ટેમ્બા બાવુમા (46), ડેવાલ્ડ બ્રેવિસ (ઝડપી 54) અને બ્રિત્ઝકે (68) નો સારો સાથ મળ્યો હતો. જોકે, મેચનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે યશસ્વી જયસ્વાલે માર્કરામનો એક સરળ કેચ છોડી દીધો હતો, જે ટીમને ખૂબ જ મોંઘો સાબિત થયો. અંતમાં કોર્બિન બોશે (26*) અને કેશવ મહારાજે (10*) મેચ જીતી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાએ 49.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 359 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતીય બોલરોમાં અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિક રાણા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો: CEC જ્ઞાનેશ કુમારે સ્ટોકહોમમાં International IDEA નું ચેરશીપ સંભાળ્યું

