Iran Friday Prayers: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખદ ઘટના બાદ આજે પ્રથમ વખત તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવામાં આવી હતી. આ મૌકે માત્ર તેહરાન જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો મસ્જિદમાં ઉમટી પડ્યા હતા. મસ્જિદમાં વાતાવરણ અત્યંત ગમગીન જોવા મળ્યું હતું અને લોકો રડતા રડતા પોતાના નેતાને યાદ કરી રહ્યા હતા.
Iran Friday Prayers: તેહરાનની સડકો પર લાગ્યા બદલાના નારા
સવારે દસ-અગિયાર વાગતા જ તેહરાનની સડકો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. રસ્તાઓ પર પુરુષો અને મહિલાઓના ટોળેટોળાં જોવા મળતા હતા. ખાસ કરીને મહિલાઓ કાળા લિબાઝમાં સજ્જ હતી અને પરંપરાગત પડદામાં હતી. જોકે, આ ભીડમાં માત્ર શોક જ નહીં, પરંતુ ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ પ્રચંડ આક્રોશ જોવા મળ્યો હતો. કાળા કપડાંમાં સજ્જ મહિલાઓના ચહેરા પર પોતાના લોકપ્રિય નેતાને ગુમાવવાનું દુઃખ તો હતું જ, પણ તેમની આંખોમાં દુશ્મનો માટે ભયાનક ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેહરાનની ગલીઓ ‘ડેથ ટુ અમેરિકા’ અને ‘ડેથ ટુ ઈઝરાયેલ’ ના નારાઓથી ગુંજી ઉઠી હતી.
મસ્જિદમાં ઉમટ્યું માનવ મહેરામણ
ખામેનીના નિધન બાદ ઈરાનમાં નેતૃત્વના શૂન્યાવકાશ વચ્ચે આ પ્રથમ મોટી ધાર્મિક સભા હતી. સુરક્ષાના સખત બંદોબસ્ત વચ્ચે લોકો વહેલી સવારથી જ મસ્જિદ પહોંચવા લાગ્યા હતા. નમાઝ દરમિયાન ઈમામે ખામેનીના જીવન અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. જેવી ખામેનીનું નામ લેવામાં આવ્યું, મસ્જિદમાં હાજર હજારો લોકો ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા હતા. લોકોના હાથમાં ખામેનીના ફોટા અને ઈરાની ધ્વજ જોવા મળ્યા હતા.
ઈઝરાયેલ-અમેરિકા સાથેના તણાવ વચ્ચે પ્રાર્થના
આ જુમ્માની નમાઝ એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. નમાઝમાં હાજર રહેલા ધાર્મિક નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે નેતૃત્વ બદલાયું હોવા છતાં ઈરાન તેની નીતિઓ અને દુશ્મનો સામેના વલણમાં કોઈ બાંધછોડ નહીં કરે. પ્રાર્થના દરમિયાન દેશની સુરક્ષા અને એકતા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. તેહરાનના આકાશમાં ડ્રોન અને ફાઈટર જેટ્સ સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.
નવા નેતૃત્વ સામે પડકારો
ખામેનીની વિદાય બાદ ઈરાન હવે નવા યુગમાં પ્ર વેશી રહ્યું છે. નમાઝ બાદ મસ્જિદની બહાર નીકળતા લોકોમાં ભવિષ્યને લઈને ચિંતા પણ જોવા મળી હતી. જોકે, સત્તાધારી પક્ષ અને કુદ્સ ફોર્સના અધિકારીઓએ જનતાને આશ્વાસન આપ્યું છે કે ઈરાન પહેલા કરતા વધુ મજબૂત બનીને ઉભરશે. વિશ્વભરની ગુપ્તચર એજન્સીઓ પણ તેહરાનની આ ગતિવિધિઓ પર બારીક નજર રાખી રહી છે.
આ પણ વાંચો: ઈઝરાયેલે ‘ભયાનક ભૂલ’ કરી છે: આયાતોલ્લા ખામેનીના સોશિયલ મીડિયા પરથી ચેતવણી

