Kavya Maran SunRisers Leeds : ઇંગ્લેન્ડની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી લીગ ‘ધ હન્ડ્રેડ’ (The Hundred) 2026 ના ઓક્શનમાં એક ઐતિહાસિક અને રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. સન ગ્રુપની માલિકી ધરાવતી અને કાવ્યા મારનની આગેવાનીવાળી ‘સનરાઇઝર્સ લીડ્સ’ (SunRisers Leeds) ની ટીમે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને કરોડો રૂપિયાની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
Kavya Maran SunRisers Leeds કેટલામાં ખરીદાયો અબરાર અહેમદ?
ગુરુવારે લંડનમાં યોજાયેલા ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સે ટ્રેન્ટ રોકેટ્સને પછાડીને પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ (આશરે 2.34 કરોડ રૂપિયા) માં ખરીદ્યો છે. ઓક્શન ટેબલ પર સનરાઇઝર્સના CEO કાવ્યા મારન અને હેડ કોચ ડેનિયલ વિટોરી હાજર હતા. આ ટીમની કપ્તાની ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી હેરી બ્રુક કરશે.
આ નિર્ણય ઐતિહાસિક કેમ છે?
2008 પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પાકિસ્તાની ખેલાડીઓને રમવા પર અઘોષિત પ્રતિબંધ છે. આ જ નિયમ SA20 અને ILT20 જેવી અન્ય લીગમાં પણ જોવા મળતો હતો, જ્યાં IPL માલિકોની ટીમો પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવાનું ટાળતી હતી. પરંતુ આ વખતે સનરાઇઝર્સ લીડ્સે અબરાર અહેમદને ખરીદીને આ ધારણા તોડી નાખી છે અને વર્ષો પછી કોઈ આઈપીએલ માલિકે પાકિસ્તાની ખેલાડીને કરારબદ્ધ કર્યો છે.
ECB ની કડક ચેતવણીની અસર
ઓક્શન પહેલા એવા અહેવાલ હતા કે IPL માલિકી ધરાવતી ચાર ટીમો પાકિસ્તાની ખેલાડીઓને પસંદ નહીં કરે. ત્યારબાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તમામ ફ્રેન્ચાઇઝીને કડક ચેતવણી આપી હતી કે બ્રિટનમાં ભેદભાવ વિરોધી કાયદા અત્યંત કડક હોવાથી ખેલાડીઓની પસંદગી માત્ર અને માત્ર ‘મેરિટ’ ના આધારે જ થવી જોઈએ.
અન્ય પાકિસ્તાની ખેલાડીઓની સ્થિતિ:
પાકિસ્તાનના અન્ય એક મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિકને બર્મિંગહામ ફોનિક્સ (Birmingham Phoenix) એ 1.40 લાખ પાઉન્ડ (આશરે 1.72 કરોડ રૂપિયા) માં ખરીદ્યો છે.
પાકિસ્તાન ટીમનો સ્ટાર બોલર શાહીન આફ્રિદી ઓક્શન પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
જ્યારે હારિસ રઉફ અને સૈમ અયુબ જેવા મોટા ખેલાડીઓ પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ (વેચાયા વગરના) રહ્યા હતા.
કોણ છે અબરાર અહેમદ?
અબરાર અહેમદે 2022માં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતમાં તેને માત્ર ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવતો હતો, પરંતુ 2024માં T20માં ડેબ્યૂ કર્યા પછી તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 38 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 6.67 ની શાનદાર ઈકોનોમી સાથે 52 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો: બ્રેટ રેન્ડેલે સતત 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો વર્લ્ડ રેકોર્ડ, 8 બોલમાં ખેરવી 6 વિકેટ!

