ભાવનગર: ભાવનગરના બહુચર્ચિત નવનીત બાલધિયા કેસ (Navneet Baldhiya Case) મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવણીના આરોપ હેઠળ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) ના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) ને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ અને કાયદાકીય કાર્યવાહી વચ્ચે અત્યાર સુધી મૌન રહેલા માયાભાઈ આહીરની એક આડકતરી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહી છે.
નવનીત બાલધિયા કેસ ‘શોલે’ના ડાયલોગ અને ગીતાના સાર સાથે સૂચક મૌન તોડ્યું પુત્ર જેલ ભેગો થયા બાદ સોશિયલ મીડિયા પર માયાભાઈ આહીરનો એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ફિલ્મ ‘શોલે’ના પ્રખ્યાત ડાયલોગની શૈલીમાં આધ્યાત્મિક વાત કરતા સંભળાય છે. માયાભાઈએ ગીતાના સારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “જે થયું છે તે સારું થયું છે, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ શબ્દો ભગવાન શ્રીકૃષ્ણના છે. માયાભાઈના આ અંદાજને લોકો તેમના પુત્રના વર્તમાન કાયદાકીય સંકટ સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, આ વાયરલ વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ ‘ગુજરાત સમય કરતું નથી.
શું છે નવનીત બાલધિયા કેસ? બગદાણા પંથકના નવનીતભાઈ બાલધિયા સાથે જોડાયેલા આ ગંભીર કેસમાં તપાસ દરમિયાન જયરાજ આહીરનું નામ ખુલતા ભારે હોબાળો મચ્યો હતો. લાંબી કાયદાકીય પ્રક્રિયા અને તપાસના અંતે જયરાજ આહીરની ધરપકડ બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. એક તરફ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ લોકપ્રિય કલાકાર માયાભાઈની આ ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક વહેતા કર્યા છે.
આ પણ વાંચો: GUJARAT BJP: ગુજરાત પ્રદેશ બાદ હવે જિલ્લા અને શહેરના હોદ્દેદારોની નિમણૂક, જૂનાગઢ-દાહોદ-આણંદમાં નવા ચહેરા

