મૈયત ગુસ્લ વાન- આજના ઝડપી શહેરજીવન અને વસવાટભર્યા વિસ્તારોમાં અવસાન બાદની ધાર્મિક વિધિઓમાં થતી મુશ્કેલીઓના નિવારણ માટે આણંદ શહેરમાં એક અનોખી અને સેવા-સહજ પહેલ કરવામાં આવી છે. મુસ્લિમ ધર્મ અનુસાર મૃત્યુ બાદ શબને સ્નાન કરાવવામાં (ગુસ્લ) આપવા માટે જે વિધિ કરવામાં આવે છે તેને “ગુસ્લ” કહેવામાં આવે છે. આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ વાન” નામે અદ્યતન સુવિધાઓયુક્ત ખાસ વાહન શહેરમાં કાર્યરત કરાયું છે.
નોંધનીય છે કે આ મૈયત ગુસ્લ વાન “ને આજ રોજ આણંદ શહેરના વોર્ડ નં. 3 ખાતે, જૂની પાણીની ટાંકી પાસે આવેલ લીંબુવાળા સ્કૂલ સંકુલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અહીં શહેરના મુસ્લિમ સમાજના અગ્રણ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સેવા માટે દાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરાયો.
આ વાનમાં શું છે ખાસ
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ મૈયત ગુસ્લ વાન માં કફન કિટ, હેન્ડ સાવર, ઠંડા-ગરમ પાણીની વ્યવસ્થા, હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત ગુસ્લ માટે જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ છે. બંધ બોડીવાળી આ વાન શહેરના કોઈપણ વિસ્તારમાં સહેલાઈથી પાર્ક કરી શકાય એવી બનાવવામાં આવી છે, જેથી ઘરની આસપાસ જ ગુસ્લ વિધિ સરળતાથી પૂર્ણ કરી શકાય.આ પહેલ ખાસ કરીને મુસ્લિમ મહિલાઓના ગુસ્લ માટે સુલભ અને સન્માનજનક વ્યવસ્થા લાવવા દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
દાતાઓના સેવા કાર્યની પ્રશંસા
આ પહેલને આકાર આપનારા આણંદના જાણીતા સામાજિક કાર્યકર અને દાતા હાજી જાવેદભાઈ ઉસ્માનગની મેમણ (બંગડીવાળા) તથા હાજી મોહમ્મદશા મોતીશા દિવાનએ અગાઉ પણ “સફરે આખીરત વાન” ની સેવા શરૂ કરી હતી, જેને સમાજમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. હવે તેઓએ “મૈયત ગુસ્લ વાન” દ્વારા બીજી વખત સમાજની સેવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
24×7 નિઃશુલ્ક સેવા
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ગુસ્લ વાન શહેરના તમામ વિસ્તારોમાં 24×7 કાર્યરત રહેશે અને તે પણ સંપૂર્ણ રીતે નિઃશુલ્ક. મૃતકના પરિવારમાંથી કોઈને આર્થિક ભાર ન પડે તે માટે આ સેવા સંપૂર્ણ રીતે દાન પર આધારીત છે.આ સેવા આપતાં દાતાઓએ કહ્યું કે, “અંતિમ ક્ષણે પણ સમાજના વ્યક્તિને માનસન્માન સાથે વિદાય મળે, એજ અમારી ભાવના છે.
.
આ પણ વાંચો – નિશિકાંત દુબેની મુસીબત વધી, BJP સાંસદ વિરૂદ્ધ SCમાં અવમાનનાની અરજી દાખલ