મહેમદાવાદ શહેર રામભરોસે: મહેમદાવાદ શહેરમાં નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા અને અણઘટ વહીવટના લીધે નાગરિકો ગટરના ઉભરાતા પાણી, ચોમેર ખાડાઓ અને ગંદકીના ઢગલાઓથી ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં આ સમસ્યાઓએ નાગરિકોનું જનજીવન નરકસમું બનાવી દીધું છે. ખાસ કરીને વિરોલ દરવાજા નજીક ઔતમ ફળીયા, નવા વણકરવાસ અને રાવળવાસ જેવા વિસ્તારોમાં ગટરનું પાણી શેરીઓમાં ફરી વળે છે, જેની દુર્ગંધથી રહેવું દુષ્કર બન્યું છે. આ ઉપરાંત, સ્થાનિકોની ગંભીર ફરિયાદ છે કે ગટરના પાણીમાં પીવાનું પાણી મિશ્ર થઈ રહ્યું છે, જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે.
ઔતમ ફળીયામાં રોગચાળાનો ખતરો
વિરોલ દરવાજા નજીકના ઔતમ ફળીયામાં ગટરનું પાણી શેરીઓમાં ભરાઈ રહે છે, જેના કારણે દુર્ગંધથી રહેવાસીઓનું જીવન દયનીય બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ગટરના પાણીમાં પીવાનું પાણી મિશ્ર થવાથી ગંભીર આરોગ્ય સમસ્યાઓનો ખતરો ઉભો થયો છે. .
નવા વણકરવાસ અને રાવળવાસમાં પણ દુર્દશા
મહેમદાવાદ શહેર રામભરોસે: નવા વણકરવાસમાં ગટરની સમસ્યા એટલી ગંભીર છે કે નાગરિકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે. નગરપાલિકાએ પાઈપલાઈન નાખવાના વાયદા કર્યા હતા, પરંતુ કોઈ નક્કર કામગીરી થઈ નથી. આ ઉપરાંત, રોગચાળો ફેલાવાની ભીતિ હોવા છતાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી. રાવળવાસમાં પણ ગટરનું પાણી અને ગંદકીના ઢગલાઓથી રહેવાસીઓ હેરાન-પરેશાન છે. આ વિસ્તારમાં શાળા અને મસ્જિદ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.નગરપાલિકાની નિષ્ક્રિયતા અને નવી પાઈપલાઈન નાખવાના ખોટા વાયદાઓથી રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે
