મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ: પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે અસરગ્રસ્ત લોકોની પીડા હળવી કરવા માટે ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદમાંથી સેવા પરિવાર ટ્રસ્ટના સભ્યોએ માનવીય કાર્ય શરૂ કર્યું છે. પૂરગ્રસ્તો માટે ભેગી કરેલી રોકડ સહાય લઈને આ ટ્રસ્ટનું પરિવાર પંજાબ પહોંચ્યું છે. પંજાબના શાહી ઇમામ સાહેબ મૌલાના મુહમ્મદ ઉસ્માન રેહમાની લુધિયાનવી સાથે મુલાકાત કરીને સહાયની રકમ તેમના થકી અસરગ્રસ્તોને આપવામાં આવી છે.

મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ, જે મહેમદાવાદમાં સામાજિક સેવાના ક્ષેત્રે જાણીતું છે, તેના સભ્યોએ પૂરના કારણે વિસ્તારમાં ફસાયેલા લોકોની સ્થિતિ જોઈને તાત્કાલિક પગલાં લીધાં છે. પંજાબના જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને તેઓએ રોકડ સહાયનું વિતરણ કર્યું, . આ સહાયથી પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક જરૂરિયાતો જેમ કે ખોરાક, આવાસ અને તબીબી સુવિધાઓ માટે મદદ મળી છે. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે, “આપણા દેશમાં આવી કુદરતી આફતોમાં એકબીજાની મદદ કરવી જરૂરી છે. મહેમદાવાદના લોકોની ઉદારતાથી આ સહાય ભેગી કરીને અમે પંજાબના ભાઈ-બહેનોની સાથે ઊભા છીએ.”

સેવા પરિવાર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ પંજાબના શાહી ઈમામ સાહેબ મૌલાના મુહમ્મદ ઉસ્માન રેહમાની લુધિયાનવી સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં શાહી ઈમામ સાહેબે આ ઉદાર કાર્યની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે, “સેવા પરિવાર ટ્રસ્ટ જેવી સંસ્થાઓના પ્રયાસથી માનવતા જીતે છે. આવી મદદ પૂરના દુઃખમાં આશાનું પ્રકાશસ્તંભ બને છે.” આ મુલાકાત દરમિયાન ટ્રસ્ટના સભ્યોએ પૂરગ્રસ્તો માટે વધુ સહાયની યોજના વિશે પણ ચર્ચા કરી, જેમાં ભવિષ્યમાં વધુ રોકડ અને સામગ્રી સહાયનો સમાવેશ થશે.

પંજાબમાં આવેલા પૂરે અનેક જિલ્લાઓને અસર કરી છે, જ્યાં હજારો લોકો વિસ્થાપિત થયા છે અને પાક અને મિલકતને નુકસાન થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ પુનર્વસનના કાર્યમાં લાગેલી છે, પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. સેવા પરિવાર ટ્રસ્ટનું રાષ્ટ્રીય આપદા માટે સરાહનીય કામ છે.