ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જીંજર ગામમાં. રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે જીંજર પ્રાથમિક શાળામાં 12 નવા ઓરડાઓનું નિર્માણ શરૂ કરવા માટે આજે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ગામના શૈક્ષણિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમના નેતૃત્વ અને પ્રતિબદ્ધતાને કારણે જીંજર ગામમાં આ શૈક્ષણિક પ્રોજેક્ટ શક્ય બન્યો છે, જે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે.મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદના વિકાસ માટે હમેંશા અગ્રેસર રહે છે, મહેમદાવાદના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
આ પ્રસંગે જીંજર ગામના સરપંચ નૌરીનબાનું સોહીલ મોહમ્મદ મલેક, સાહિલ મલેક, પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી, કારોબારી ચેરમેન નિલેશભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ વિષ્ણુસિંહ ડાભી, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ગામના લોકોનો ઉત્સાહ અને સહયોગ નોંધપાત્ર હતો.
આ વિકાસ કાર્યથી જીંજર ગામના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાયુક્ત શૈક્ષણિક માહોલ પ્રાપ્ત થશે. નવા 12 ઓરડાઓના નિર્માણથી શાળામાં બેઠક વ્યવસ્થા, શિક્ષણની ગુણવત્તા અને અભ્યાસની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. આ પ્રોજેક્ટ ગામના બાળકોને આધુનિક શિક્ષણની તકો પૂરી પાડશે, જેનાથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં આગળ નીકળી શકશે. શિક્ષણના આધુનિકીકરણથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં વધારો થશે અને શાળામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ શક્ય બનશે.
આ પણ વાંચો- મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની મહેકમ,TEOની બાંયધરી વહેલી તકે શિક્ષકોની કરાશે નિમણૂક