મોહમ્મદ શમી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાની રમતની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. મોહમ્મદ શમીએ 2014માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2015માં તેમની પુત્રી આયરાના જન્મ થયો હતો. પરંતુ 2018માં હસીને શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીને કોલકાતાના જાધવપુર પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હસીને માસિક 10 લાખ રૂપિયા ભરણપોષણની પણ માંગણી કરી હતી, જોકે, તે સમયે નીચલી કોર્ટે તેની માંગણી ફગાવી દીધી હતી. હવે કોલકાતા હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે.
હાઈકોર્ટ તરફથી મોહમ્મદ શમીને મોટો ઝટકો
મોહમ્મદ શમી: બોલર મોહમ્મદ શમીને કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે શમીને તેની અલગ રહેતી પત્ની હસીન જહાં અને તેમની પુત્રી આયરાને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો છે. આ રકમ છેલ્લા સાત વર્ષથી લાગુ પડશે, જેનો અર્થ છે કે શમીને આ સમયગાળાના બાકી પૈસા પણ ચૂકવવા પડશે. એટલે કે, તે હસીન જહાંને 3 કરોડ રૂપિયાથી વધુ રકમ આપશે.
કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ અજય કુમાર મુખર્જીની બેન્ચે 1 જુલાઈ 2025 ના રોજ આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે શમીએ તેની પત્ની હસીન જહાંને દર મહિને 1.5 લાખ રૂપિયા અને પુત્રી આયરાને 2.5 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ નિર્ણય હસીન જહાંની અરજી પર આવ્યો હતો, જેણે 2023 ના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં શમીને હસીનને 50,000 રૂપિયા અને તેની પુત્રીને 80,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક: સાયબર ક્રાઈમનો ભોગ બની પોલીસ