ગુજરાતમાં ચોમાસાની પધરામણી- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં 16 જૂન, 2025ના રોજ આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી. ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકમાં 7 ઈંચ (6.97 ઈંચ) વરસાદ ખાબક્યો, જેના કારણે ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ. આ ભારે વરસાદને લીધે બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝવેની રેલિંગ ધોવાઈ ગઈ, અને પાલિતાણા, મહુવા તેમજ વલ્લભીપુરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની.
ભાવનગરમાં વરસાદની વિગતો
જેસર: 6.97 ઈંચ (4 કલાકમાં)
પાલિતાણા: 5.94 ઈંચ
મહુવા: 5.83 ઈંચ
તળાજા: 3.03 ઈંચ
સિહોર: 1.81 ઈંચ
ગારિયાધાર: 1.02 ઈંચ
અન્ય વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાની પધરામણી – રાજ્યના 70થી વધુ તાલુકાઓમાં 16 જૂનની સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો. અન્ય કેટલાક વિસ્તારોમાં
વરસાદની વિગતો:
અમરેલી (રાજુલા): 1.69 ઈંચ
વલસાડ (ઉમરગામ): 1.22 ઈંચ
ગીર સોમનાથ (ઉના): 1.22 ઈંચ
ગીર સોમનાથ (સુત્રાપાડા): 1.14 ઈંચ
ભરૂચ (હાંસોટ): 1.06 ઈંચ
આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ખેડા, ભરૂચ, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, નર્મદા, નવસારી, આણંદ, તાપી જેવા જિલ્લાઓના 59 તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં પણ પ્રી-મોન્સૂન ગતિવિધિઓની અસર જોવા મળી. 16 જૂનના બપોરે શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, ગોતા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જે ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓનો ભાગ છે.
હવામાન આગાહી અને અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં 15 જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં 20 જૂન આસપાસ ચોમાસાની વિધિવત શરૂઆત થવાની સંભાવના છે, જે પહેલાં પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.આ ભારે વરસાદને કારણે ખાસ કરીને ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા, નદીઓ ઉફની અને અનેક સ્થળોએ ટ્રાફિક અને રોજિંદા જીવન પર અસર પડી.
આ પણ વાંચો – અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા