મહારાષ્ટ્રના વરિષ્ઠ સપા નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે મુસલમાનોનો પણ દેશ પર સમાન અધિકાર છે અને તેમની સામે અત્યાચાર બંધ થવો જોઈએ.
પીએમ મોદીને આ સલાહ આપી
આઝમીએ કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની મુલાકાત લેવાનો પીએમ મોદીનો નિર્ણય તેમનો પોતાનો છે, પરંતુ RSSના વડા મોહન ભાગવતને અપીલ છે કે તેઓ વડાપ્રધાનને સમજાવે. આઝમીએ ભાગવતના તે નિવેદનને ટાંક્યું જેમાં તેમણે કહ્યું હતું કે દરેક મસ્જિદની નીચે મંદિર શોધવું યોગ્ય નથી.
તેમણે કહ્યું, “મોહન ભાગવતે પીએમ મોદીને સમજાવવું જોઈએ કે ભારત પર મુસ્લિમોનો પણ અધિકાર છે, તેમનો પણ અધિકાર છે, તેથી તેમને હેરાન કરવાનું બંધ કરો.મોદી સરકાર પર આરોપ લગાવતા આઝમીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુસ્લિમો સામે નફરત અને અન્યાય વધ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે મુસ્લિમોને દરેક બાબતમાં શંકાની નજરે જોવામાં આવે છે. તેમણે કહ્યું, “આપણા પૂર્વજોએ પણ દેશ માટે બલિદાન આપ્યું છે. અમે પણ આ દેશના નાગરિક છીએ અને બંધારણે અમને સમાન અધિકારો આપ્યા છે, પરંતુ આજે મુસ્લિમોને અલગ પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”