EPFOના નવા નિયમો લાગુ, હવે PF માટેની પ્રક્રિયા બની સરળ

New EPFO ​​rules

New EPFO ​​rules – કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ વર્ષ 2025માં પોતાના સભ્યો માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂક્યા છે, જેનો હેતુ પ્રક્રિયાઓને સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. આ ફેરફારો કર્મચારીઓની બચત અને પેન્શન સંબંધિત બાબતોને વધુ અનુકૂળ બનાવશે. ચાલો જાણીએ EPFOના આ પાંચ મુખ્ય ફેરફારો વિશે, જે કર્મચારીઓને નોંધપાત્ર લાભ આપશે.

1. પ્રોફાઈલ અપડેટ કરવી હવે સરળ
New EPFO ​​rules- EPFOએ પ્રોફાઈલ અપડેશનની પ્રક્રિયાને સરળ બનાવી છે. જો તમારો UAN નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે, તો તમે નામ, જન્મતારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, માતા-પિતાનું નામ, લગ્નની સ્થિતિ, પતિ/પત્નીનું નામ અને નોકરીની તારીખ જેવી માહિતી કોઈ ડોક્યુમેન્ટ વિના અપડેટ કરી શકશો. જોકે, 1 ઓક્ટોબર, 2024 પહેલા બનેલા UAN માટે કેટલીક બાબતોમાં એમ્પ્લોયરની મંજૂરી જરૂરી હોઈ શકે છે. આ ફેરફારથી કર્મચારીઓને ઝડપથી અને સરળતાથી પ્રોફાઈલ અપડેટ કરવામાં મદદ મળશે.

2. પીએફ ટ્રાન્સફર પ્રક્રિયા બની ઝડપી
નોકરી બદલ્યા બાદ પીએફ ટ્રાન્સફરની જટિલ પ્રક્રિયા હવે ભૂતકાળ બની ગઈ છે. EPFOએ 15 જાન્યુઆરી, 2025થી પીએફ ટ્રાન્સફરને સરળ બનાવ્યું છે. જો તમારો UAN આધાર સાથે લિંક હશે, તો મોટાભાગના કેસમાં જૂની કે નવી કંપનીની મંજૂરીની જરૂર નહીં પડે. આનાથી કર્મચારીઓનો સમય અને મહેનત બંને બચશે.

3. ખાનગી કંપનીઓ માટે સમાન નિયમો
EPFOએ ખાનગી કંપનીઓ અને ટ્રસ્ટ માટે પણ નિયમોને સ્પષ્ટ અને એકસમાન કર્યા છે. જો કર્મચારીનો પગાર નિર્ધારિત મર્યાદાથી વધુ હોય અને તેઓ વધારાનું યોગદાન આપે, તો તેમને ઊંચા પગાર પર પેન્શન મળી શકશે. આ ઉપરાંત, ખાનગી ટ્રસ્ટ ચલાવતી કંપનીઓએ પણ EPFOના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, જેનાથી પેન્શન યોજનામાં એકરૂપતા આવશે.

4. સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ
1 જાન્યુઆરી, 2025થી EPFOએ સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. હવે પેન્શનરો કોઈપણ બેંક ખાતામાં પેન્શન ટ્રાન્સફર કરી શકશે. અગાઉ પેન્શન ચુકવણી ઓર્ડર (PPO) એક પ્રાદેશિક કચેરીથી બીજી કચેરીમાં ટ્રાન્સફર કરવું પડતું હતું, જેના કારણે વિલંબ અને મુશ્કેલીઓ થતી હતી. હવે PPOને UAN સાથે લિંક કરવું ફરજિયાત બન્યું છે, જેનાથી પેન્શનરો સરળતાથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે.

5. જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયા સરળ
16 જાન્યુઆરી, 2025થી EPFOએ જોઈન્ટ ડિક્લેરેશનની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. આનાથી ખોટી કે અધૂરી માહિતીને અપડેટ કરવું સરળ બનશે. આ ફેરફારથી કર્મચારીઓને ઝડપથી અને ઓછી ઝંઝટ સાથે તેમના એકાઉન્ટની માહિતી સુધારવામાં મદદ મળશે.

આ પણ વાંચો –  અમદાવાદમાં 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાનો કબજો, 7 આરોપીઓ સામે FIR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *