Noida Workers Protest : દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડા (Noida) માં શ્રમિકોનો વિરોધ પ્રદર્શન હવે હિંસક બની ગયું છે. પગાર વધારા અને અન્ય માંગણીઓને લઈને રસ્તા પર ઉતરેલા હજારો શ્રમિકોએ સોમવારે ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસની બે જીપ સહિત કુલ પાંચ વાહનોને આગ ચાંપી દીધી હતી. આ હિંસક ઘટનાઓ બાદ નોઈડામાં ભારે તંગદિલીનો માહોલ છે, જ્યારે પરિસ્થિતિને વણસતી જોઈને દિલ્હી પોલીસે પણ હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે.
Noida Workers Protest: હિંસક બન્યું પ્રદર્શન, 50 હજાર જેટલા શ્રમિકો રસ્તા પર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60 વિસ્તારોમાં સોમવાર સવારથી જ વિભિન્ન ઔદ્યોગિક એકમોના શ્રમિકો પગાર વધારા (Salary Increment) અને અન્ય સુવિધાઓની માંગ માટે રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ બપોર થતા સુધીમાં આ પ્રદર્શન અત્યંત ઉગ્ર બની ગયું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ આગજની અને તોડફોડ શરૂ કરી દીધી હતી. ઘણી જગ્યાએ પથ્થરમારો પણ થયો હોવાના અહેવાલો છે. આશરે 50,000 જેટલા શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાનો અંદાજ છે, જેને કાબૂમાં લેવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.
દિલ્હીમાં હાઈ એલર્ટ, બોર્ડર પર સઘન ચેકિંગ
નોઈડામાં હિંસા ભડક્યા બાદ દિલ્હી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવા દેવામાં આવશે નહીં.
નોઈડાથી દિલ્હીને જોડતા તમામ મુખ્ય માર્ગો અને બોર્ડર પોઇન્ટ્સ પર બેરિકેડિંગ વધારી દેવામાં આવ્યું છે.
સંવેદનશીલ સ્થળો પર પોલીસની રિઝર્વ ટીમો (RRF) અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં પ્રવેશતા દરેક વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અસામાજિક તત્વો પ્રદર્શનના બહાને દિલ્હીમાં પ્રવેશીને માહોલ ન બગાડે.
ભારે ટ્રાફિક જામ, સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત
આ હિંસક પ્રદર્શનના કારણે નોઈડા અને પૂર્વ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ઓફિસે જતા લોકો અને સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી-નોઈડા બોર્ડર પર અનેક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી, જેના કારણે ઘણા લોકોએ પગપાળા ચાલીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાની ફરજ પડી હતી.
CM યોગી આદિત્યનાથના કડક આદેશ
આ ગંભીર ઘટનાની નોંધ લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોના પ્રશ્નોના નિરાકરણ માટે કડક આદેશો આપ્યા છે. તેમણે શ્રમિકોને સન્માનજનક વેતન, સુરક્ષિત કામનું વાતાવરણ અને તેમની સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા છે. હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ શ્રમિકોને સમજાવીને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સંગીત જગતની સૂરીલી સફરનો કરુણ અંત: દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન

