કડી-વિસાવદર પેટા ચૂંટણી – ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ બેઠકો જીતવા માટે ભાજપ, આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટીએ બંને બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. વિસાવદર બેઠક પર આપે ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે, જેની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)ની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ કડી બેઠક પર ડો. ગિરીશભાઈ કાપડિયા અને વિસાવદર બેઠક પર કિશોરભાઈ કાનકડ (કાનપરિયા)ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
કડી-વિસાવદર પેટા ચૂંટણી- બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી, પરંતુ ટૂંક સમયમાં તેઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. ભાજપે વિસાવદરમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને પ્રભારી બનાવીને માસ્ટર સ્ટ્રોક રમ્યો છે, જ્યારે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે.
બેઠકો ખાલી થવાનું કારણ
વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપમાં જોડાતાં ખાલી પડી હતી. જ્યારે કડી બેઠકના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી થઈ હતી. આ બંને બેઠકો પર રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેશે, કારણ કે આ ચૂંટણી ગુજરાતના રાજકારણની દિશા નક્કી કરી શકે છે.
કડી બેઠકનો ઇતિહાસ
કડી વિધાનસભા બેઠક 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. 2012માં કોંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના હીતુ કનોડિયાને હરાવ્યા હતા. 2017માં ભાજપના કરશન સોલંકીએ રમેશ ચાવડાને પરાજય આપ્યો, અને 2022માં પણ કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવી બેઠક જાળવી રાખી હતી. 2025માં કરશન સોલંકીના નિધન બાદ આ બેઠક ખાલી થઈ, જેના કારણે હવે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
વિસાવદર બેઠકનો રાજકીય માહોલ
વિસાવદર બેઠક પર 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવી જીત મેળવી હતી. જોકે, તેમના રાજીનામા બાદ આ બેઠક ખાલી થઈ, અને હવે ત્રણેય મુખ્ય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ) પાટીદાર ઉમેદવારો ઉતારીને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માગે છે.
રાજકીય ગણિત અને રણનીતિ
આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાને ઉતારીને પાટીદાર સમાજને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે 30 મેના રોજ આપના સ્ટાર પ્રચારકો અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને આતિશી પણ ગોપાલ ઈટાલિયાના નોમિનેશન દરમિયાન હાજર રહેશે. ભાજપે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ઉતારવાની શક્યતા છે, જે આપમાંથી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારની શોધ શરૂ કરી છે, જેમાં પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે
આ પણ વાંચો- કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર,કોંગ્રેસ-ભાજપના સમીકરણ બગાડશે!