ગુજરાત રાજ્યના શિક્ષકો લાંબા સમયથી શિક્ષણ સિવાયની જવાબદારીઓ જેમ કે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય સભાઓ માટે બસ વ્યવસ્થા જેવાં કામો કરતા આવ્યા છે. હવે રાજ્ય સરકારે શિક્ષકોને નવી જવાબદારી સોંપી છે. રાજકોટ જિલ્લાના જસદણના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં આયોજિત લોકમેળા દરમિયાન VVIP ભોજન વ્યવસ્થા માટે 30 આચાર્ય અને 1 મદદનીશ શિક્ષકની તાત્કાલિક નિમણૂકનો આદેશ જારી કર્યો છે.
શ્રાવણી મેળામાં શિક્ષકોની નવી ભૂમિકા
ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણી મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરા અને શિવ કથા જેવી પ્રવૃત્તિઓ યોજાશે. આ મેળામાં VVIP મહેમાનો માટે ભોજન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને 30 દિવસ સુધી મેળા સ્થળે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં શિક્ષકો અને આચાર્યોની ફરજનું તારીખ મુજબનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
જસદણ SDM દ્વારા તૈયાર કરાયેલા લિસ્ટમાં ફક્ત હિંદુ સમુદાયના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ધાર્મિક સમતા અને શિક્ષણવિહીન કામગીરીમાં શિક્ષકોની નિમણૂકના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું શિક્ષકોનું મુખ્ય કાર્ય બાળકોને શિક્ષણ આપવાનું છે, કે VVIP મહેમાનો માટે ભોજન વ્યવસ્થા જેવી જવાબદારીઓ નિભાવવાનું?
શિક્ષણ પર અસરની ચિંતા
શિક્ષકો પર વધતી જતી શિક્ષણવિહીન જવાબદારીઓથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિક્ષકોને મેળામાં VVIP વ્યવસ્થા માટે ફરજ પર મૂકવાથી શાળાઓમાં શિક્ષણ કાર્ય પર પણ પ્રભાવ પડે તેવી શક્યતા છે. આ મુદ્દે શિક્ષક સંઘો અને શિક્ષણ નિષ્ણાતો દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ