મહેમદાવાદ વોર્ડનં-3ની પ્રજા રામભરોસે!ખાત્રેજ દરવાજા બહાર ગટર ઉભરાતા રોગચાળો ફેલવાની દહેશત

મહેમદાવાદ
મહેમદાવાદ ના વોર્ડ નં. 3માં આવેલા ખાત્રેજ દરવાજા બહાર રહેમતનગર જતા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાએ વિસ્તારના લોકોનું જનજીવન હાલાકીમય બનાવ્યું છે. આ ગંદકીના ઢગલા અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સતાવે છે, છતાં મહેમદાવાદ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિસ્તારવાસીઓએ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી, જેના કારણે લોકોમાં રોષ અને નિરાશા વધી રહી છે.
મહેમદાવાદ માં આ ગટરની સમસ્યાથી રોજબરોજની અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તા પર ફેલાયેલું ગંદુ પાણી અને દુર્ગંધથી બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં છે. રોગચાળાનો ખતરો માથું ઉચકે છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા આશ્ચર્યજનક છે. શું રોગચાળો ફેલાય ત્યારે જ તંત્ર જાગશે? આવી ઉદાસીનતા વોર્ડ નં. 3ની પ્રજાને રામ ભરોસે છોડી દે છે.
વોર્ડનં-3ના  કાઉન્સિલરો શોભાના ગાંઠિયા સમાન
ચોંકાવનારી  અને મહત્વની વાત એ છે કે, આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરો પણ પ્રજાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવે છે. રજૂઆત કરવા જતાં, “પૈસાથી ચૂંટણી જીત્યા છીએ”..? જેવા નિવેદનો સાથે પ્રજાને હડધૂત કરવામાં આવે છે. જવાબદારીમાંથી હાથ ખંખેરીને તેઓ પોતાની નિષ્ફળતા છુપાવે છે. શું આવા નેતૃત્વની પસંદગી કરવી એ પ્રજાની ભૂલ નથી? પૈસા ખર્ચીને ચૂંટણી જીતવી એ નેતૃત્વનું લક્ષણ નથી; સાચું નેતૃત્વ તો પ્રજાની સેવા અને સમસ્યાઓના નિરાકરણથી ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *