Asia Cup 2025 એક ઐતિહાસિક વળાંક પર આવીને ઊભો છે, કારણ કે એશિયા કપ ૪૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે.
Asia Cup 2025 પાકિસ્તાને ગુરુવારે સુપર-ફોર મેચમાં બાંગ્લાદેશને ૧૧ રનથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ભારતીય ટીમ અગાઉ બુધવારે બાંગ્લાદેશને ૪૧ રનથી હરાવીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે અને હાલમાં આ ટૂર્નામેન્ટમાં અજેય છે.
પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચનો રોમાંચ:
Asia Cup 2025 : ગુરૂવારે રમાયેલી સુપર-ફોર મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૫ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના બોલરો, ખાસ કરીને તસ્કીન અહેમદ (૨૮/૩) અને રિશાદ હુસૈને, શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક સમયે પાકિસ્તાનને ૧૧મી ઓવરમાં ૪૯ રન પર ૫ વિકેટે સંઘર્ષ કરતું કરી દીધું હતું. જોકે, મોહમ્મદ હારિસ (૩૧), શાહીન શાહ આફ્રિદી (૧૯) અને મોહમ્મદ નવાઝ (૨૫)ની ઉપયોગી ઇનિંગ્સના કારણે પાકિસ્તાન સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
જવાબમાં, બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત ઓવરોમાં ૯ વિકેટે માત્ર ૧૨૪ રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલરો શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને જીત અપાવી હતી.
ફાઇનલની સ્થિતિ:
સુપર-ફોરની પોઇન્ટ્સ ટેબલમાં ભારત ૪ પોઇન્ટ્સ અને ૧.૩૫૭ના નેટ રન રેટ સાથે ટોચ પર છે. પાકિસ્તાન ૪ પોઇન્ટ્સ સાથે બીજા ક્રમે રહ્યું છે. એશિયા કપનો ખિતાબ ભારતે સૌથી વધુ આઠ વખત જીત્યો છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે વાર ચેમ્પિયન બન્યું છે. ભારતે આ સિઝનમાં પાકિસ્તાનને બે વાર હરાવ્યું હોવાથી, ફાઇનલની ટક્કર ઘણી રોમાંચક અને દબાણથી ભરપૂર રહેવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે