ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની શાનદાર યાત્રા ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચમાં પણ કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું અને આ સાથે જ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર 242 રનના લક્ષ્યને જબરદસ્ત રીતે કોઈ સમસ્યા વિના હાંસલ કરી લીધું. ટીમ ઈન્ડિયાની આ જીતનો સ્ટાર વિરાટ કોહલી શાનદાર અણનમ સદી ફટકારીને પાકિસ્તાનને હરાવી દીધું હતું.
દુબઈમાં 23મી ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનારી આ બ્લોકબસ્ટર મેચની દરેક જણ રાહ જોઈ રહ્યા હતા પરંતુ આ મેચ એટલી રોમાંચક ન હતી જેટલી ચાહકોની અપેક્ષા અને ઈચ્છા હતી. પરંતુ ભારતીય ચાહકોને બે વસ્તુ ચોક્કસપણે મળી – એક ટીમ ઈન્ડિયાની જીત, બીજી રનનો પીછો કરતી વખતે વિરાટ કોહલીની શાનદાર સદી. રોહિત શર્માના વહેલા આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા કોહલીએ શુભમન ગિલ અને શ્રેયસ અય્યર સાથે શાનદાર ભાગીદારી કરી અને પછી મેચના છેલ્લા ચાર રન બનાવી ટીમને વિજય અપાવ્યો અને સાથે જ તેની 51મી ODI સદી પણ પૂરી કરી.