બિકાનેરમાં PM મોદી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ વિરુદ્ધ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. તેમણે પાકિસ્તાનને આતંકવાદની ભારે કિંમત ચૂકવવાની ચેતવણી આપી અને ભારતીય સેનાના શૌર્યની પ્રશંસા કરી.વડાપ્રધાને બિકાનેરના નાલ એરપોર્ટ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું કે, ભારત સરકારે સેનાને આતંકવાદ સામે લડવા માટે ખુલ્લી છૂટ આપી હતી. તેમણે કહ્યું, “ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું.” 22 તારીખના આતંકવાદી હુમલાનો જવાબ ભારતે માત્ર 22 મિનિટમાં આપ્યો, જેમાં આતંકવાદીઓના 9 ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા.
બિકાનેરમાં PM મોદી- PM મોદીએ કહ્યું કે, આતંકવાદીઓએ પહલગામમાં ધર્મ પૂછીને નિર્દોષ લોકો પર હુમલો કર્યો, જેનાથી દેશના 140 કરોડ નાગરિકોના આત્માને ઠેસ પહોંચી. તેમણે ભારપૂર્વક જણાવ્યું, “આપણે એકજૂટ થઈને સંકલ્પ લીધો હતો કે આતંકવાદીઓને ધૂળ ચટાડીશું. આજે દેશની સેનાના શૌર્યથી આપણે આ પ્રતિજ્ઞામાં સફળ થયા છીએ.વડાપ્રધાને આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ ગણાવ્યું અને કહ્યું કે, “જે લોકો સિંદૂર ઉઝાડવા નીકળ્યા હતા, તેમને આપણે માટીમાં ભેળવી દીધા.” આ ઓપરેશન માત્ર આક્રોશ નથી, પરંતુ ન્યાયનું નવું સ્વરૂપ છે. તેમણે ઉમેર્યું કે, આતંકવાદીઓના હથિયારોના ઘમંડને ભારતે ચકનાચૂર કરી નાખ્યું છે.
PM મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, “આતંકવાદની ભારે કિંમત પાકિસ્તાને ચૂકવવી પડશે. તેની સેના અને અર્થવ્યવસ્થા આ ભોગ ચૂકવશે.” તેમણે નાલ એરબેઝ પર પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભારતે તેને કોઈ નુકસાન થવા દીધું નથી. વધુમાં, તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન સાથે ન વેપાર થશે, ન મંત્રણા. જો વાતચીત થશે, તો તે PoK (પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર) પર.