મહેમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ખાડા જ ખાડા! વૃદ્વ વ્યક્તિ ખાડામાં પડતા હાથમાં સામાન્ય ઇજા!

મહેમદાવાદમાં ખાડા- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ મહેમદાવાદ શહેરની સડકો હજુ પણ ખાડાઓથી ભરેલી છે, જે શહેરીજનો માટે માથાનો દુખાવો બની રહી છે. નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતાને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આજે સાંકડા બજાર વિસ્તારમાં પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા ખાડામાં એક વૃદ્ધ વ્યક્તિ પડી જતાં તેમને હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના શહેરની બગડતી રસ્તાની સ્થિતિ અને નગરપાલિકાની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે.

મહેમદાવાદમાં ખાડા-  શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામના કારણે રસ્તાઓ ખાડામય બની ગયા છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં, નગરપાલિકા દ્વારા આ ખાડાઓ ભરવા કે રસ્તાઓનું સમારકામ કરવામાં કોઈ ઉતાવળ દેખાતી નથી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, “શહેરના રસ્તાઓ જાણે ગ્રામ્ય વિસ્તાર જેવા લાગે છે. ખાડાઓને કારણે દરરોજ અકસ્માતનો ખતરો રહે છે.”

 

વૃદ્વ વ્યક્તિ ખાડામાં પડતા હાથમાં સામાન્ય ઇજા

આજની ઘટનામાં વૃદ્ધ વ્યક્તિ નસીબદાર રહ્યા કે તેમને ગંભીર ઈજા થઈ નહીં, પરંતુ નગરપાલિકાની આ બેજવાબદારી આગળ જતાં મોટી હોનારતનું કારણ બની શકે છે. ખાસ કરીને ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તે અદૃશ્ય બની જાય છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. 2020-2022 દરમિયાન દેશભરમાં ખાડાઓને કારણે 4,808 લોકોનાં મોત થયાં હતાં, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.

સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી નામનું કંઈ જ થયું નથી. ખોદકામ પછી રસ્તાઓને યોગ્ય રીતે ભરવામાં આવ્યા નથી, જેના કારણે રસ્તાઓની હાલત દયનીય બની છે. એક રહેવાસીએ જણાવ્યું, “અધિકારીઓને ચોમાસાની કોઈ પરવા નથી. ખાડાઓ ખોદીને છોડી દેવાય છે, પરંતુ તેને યોગ્ય રીતે પૂરવાનું કે બેરીકેટ લગાવવાનું કામ નથી કરતા.

મહેમદાવાદ નગરપાલિકાને સમયસર કામગીરી પૂર્ણ કરવામાં નિષ્ફળતા મળી છે, જે શહેરીજનોની સલામતી સાથે ચેડાં કરે છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે નગરપાલિકાએ તાત્કાલિક ખાડાઓ ભરવા અને રસ્તાઓનું સમારકામ કરવું જોઈએ. જો સત્વરે પગલાં નહીં લેવાય, તો આ ખાડાઓ અકસ્માતોનું કારણ બની શકે છે. નગરપાલિકાના અધિકારીઓએ જવાબદારી સ્વીકારીને શહેરને સલામત અને સુગમ બનાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. શું નગરપાલિકા આ બેદરકારીમાંથી જાગશે, કે શહેરીજનો અકસ્માતોનો ભોગ બનતા રહેશે?

આ પણ વાંચો-  Gujarat Monsoon update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત: 12 જૂનથી વરસાદી માહોલની અપેક્ષા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *