વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26 અને 27 મે, 2025ના રોજ ગુજરાતના દાહોદ અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આ મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં પ્રવાસનું આયોજન, પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર સાથે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી.
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત – વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 મેના રોજ મોડી રાત્રે ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. 26 મેના રોજ તેઓ દાહોદની મુલાકાત લેશે, જ્યાં ભારતીય રેલવેના ડીઝલ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તૈયાર થયેલા 9000 હોર્સ પાવરના એન્જિનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
આ જ દિવસે વડા પ્રધાન કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ માતાના મઢ ખાતે આશીર્વાદ લેશે. ભૂજમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાની સાથે તેઓ એક જનસભાને પણ સંબોધશે. રાત્રિ રોકાણ માટે વડા પ્રધાન રાજભવન ખાતે રહેશે.27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, જેમાં વડા પ્રધાન ભાગ લેશે.