પ્રિયંકા ગાંધી એ ભાજપ સરકારના 11 વર્ષના શાસન પર સવાલ ઉઠાવતા કહ્યું, “તમે ઇતિહાસની વાત કરો છો, હું વર્તમાનની વાત કરીશ. અમિત શાહના સમયમાં મણિપુર સળગી રહ્યું છે, દિલ્હીમાં રમખાણો થયા, પહેલગામ હુમલો થયો, અને આજે પણ તેઓ ગૃહમંત્રી છે. દેશ જાણવા માંગે છે, શા માટે?” તેમણે ઉમેર્યું કે, ગૌરવ ગોગોઈએ જ્યારે જવાબદારીની વાત કરી ત્યારે રાજનાથ સિંહ માથું હલાવતા હતા, પરંતુ અમિત શાહ હસતા હતા, જે દર્શાવે છે કે સરકાર આ મુદ્દે ગંભીર નથી.
પ્રિયંકાએ 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, યુપીએ સરકારે તે સમયે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, એકને પકડવામાં આવ્યો હતો અને બાદમાં તેને ફાંસી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તત્કાલીન ગૃહમંત્રીએ રાજીનામું આપી જવાબદારી સ્વીકારી હતી. તેમણે સવાલ કર્યો કે, “ઉરી અને પુલવામા હુમલા દરમિયાન રાજનાથ સિંહ ગૃહમંત્રી હતા, આજે તેઓ સંરક્ષણ મંત્રી છે. અમિત શાહના કાર્યકાળમાં પણ આવી ઘટનાઓ થઈ, તો પછી જવાબદારી કોણ લેશે?
પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા બાદ દેશની એકતાને બિરદાવી, પરંતુ સરકારની નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે કહ્યું, “પહેલગામ હુમલા બાદ બધા એક થયા. જો ફરીથી આવું થાય, તો અમે ફરીથી સાથે ઉભા રહીશું. દેશ પર હુમલો થાય તો અમે સરકાર સાથે ઉભા છીએ.” જોકે, તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા માટે સેનાની પ્રશંસા કરી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ સેનાની સફળતાનો શ્રેય લેવા માંગે છે