આણંદ શહેરના ગુલમર્ગ પાર્ક વિસ્તારમાં ગટરલાઇનની વારંવાર ચોકઅપ થવાની સમસ્યાએ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા છે. આ સમસ્યાને કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ગટર ચોકઅપ થવાને લીધે પાણી બેક મારે છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે. આ દુર્ગંધ અને અનિયમિત ગટર વ્યવસ્થા રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી કરે છે, જે સ્થાનિક રહીશો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે.
ગુલમર્ગ પાર્ક સોસાયટીમાં મોટી સંખ્યામાં વૃદ્ધ લોકો રહે છે, જેમને અવરજવરમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગટરલાઇનના ઢાંકણા જર્જરિત અને તૂટેલી સ્થિતિમાં હોવાથી અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે સ્થાનિક રહીશોએ આણંદના કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતની નકલ ચીફ ઓફિસરને પણ મોકલવામાં આવી છે.
આ રજૂઆતમાં AIMIMના યુવા કાર્યકર શાહબાઝઅલી અન્સારીની આગેવાની હેઠળ સોસાયટીના રહીશોએ કલેક્ટરને વિનંતી કરી છે કે, ગટર ચોકઅપની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે તેમજ જર્જરિત ઢાંકણાને બદલીને નવા ઢાંકણા મૂકવામાં આવે. રહીશોએ જણાવ્યું કે, આ સમસ્યાઓથી તેઓ લાંબા સમયથી પરેશાન છે, અને તેના કારણે તેમનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.