તબલીગી જમાત: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે માર્ચ 2020 માં કોવિડ-19 રોગચાળા દરમિયાન તબલીગી જમાતસાથે સંકળાયેલા 70 ભારતીય નાગરિકો સામે નોંધાયેલા 16 કેસોને ફગાવી દીધા. આ લોકો સામે ત્યાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપનારા વિદેશીઓને ગુપ્ત રીતે હોસ્ટ કરવા બદલ આ કેસ નોંધાયા હતા. આ કેસમાં ચુકાદો આપતાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું, ‘બધી ચાર્જશીટ રદ કરવામાં આવે છે.’
તબલીગી જમાત: આ 70 ભારતીય લોકો સામે કુલ 16 FIR નોંધવામાં આવી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં, વકીલો આશિમા મંડલા અને મંદાકિની સિંહે કોર્ટમાં અરજદારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ 70 લોકો પર કોવિડ-19 રોગચાળાની પ્રથમ લહેર દરમિયાન નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાત સાથે સંકળાયેલા 190 થી વધુ વિદેશીઓને આશ્રય આપવાનો આરોપ હતો.
આ કેસમાં, આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC), રોગચાળા રોગો અધિનિયમ, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને વિદેશી અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે આરોપીઓએ વિદેશી નાગરિકોને આશ્રય આપીને દેશવ્યાપી લોકડાઉન અને અન્ય પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કર્યું છે.
અગાઉ, દિલ્હી પોલીસે માર્ચ 2020 માં કાર્યક્રમમાં હાજરી આપનારા વિદેશીઓને હોસ્ટ કરવા બદલ તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરતી અરજીઓનો વિરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે આરોપીઓ સ્થાનિક રહેવાસીઓ હતા જેમણે કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન કરીને નિઝામુદ્દીન મરકઝમાં આવેલા લોકોને આશ્રય આપ્યો હતો.
આ પણ વાંચો- ઇરાકના શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ,55 લોકોના મોત,જુઓ વીડિયો