ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિ: સરકારના કરોડોના ખર્ચ છતાં આદિવાસી બાળકો કુપોષિત

ગુજરાતમાં કુપોષણ:  ગુજરાત સરકાર દર વર્ષે બજેટમાં કુપોષણ નાબૂદી માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ રાજ્યમાં કુપોષણની સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે, જે દર્શાવે છે કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે.
આદિવાસી બાળકોની ચિંતાજનક સ્થિતિ
ગુજરાતમાં કુપોષણ:  જૂન-2025 સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં 1,71,570 આદિવાસી બાળકો ઓછું વજન ધરાવે છે, જ્યારે 1,11,862 બાળકો અતિ ઓછું વજન ધરાવે છે. આ ઉપરાંત, 37,695 બાળકો ઓછી ઊંચાઈની સમસ્યાથી પીડાય છે. આમ, કુલ 3,21,127 આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. આ આંકડા ગુજરાતની સરકારી યોજનાઓની નિષ્ફળતા દર્શાવે છે.
સરકારી યોજનાઓની નિષ્ફળતા
રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના, મમતા અભિયાન જેવી અનેક યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓ હેઠળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ રિપોર્ટ દર્શાવે છે કે આ યોજનાઓનો લાભ ગરીબ અને આદિવાસી બાળકો સુધી પહોંચ્યો નથી. ભ્રષ્ટાચાર અને અધિકારીઓની બેદરકારીને કારણે ફાળવણીનો મોટો હિસ્સો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ છે.

અન્ય રાજ્યો કરતાં ગુજરાતની ખરાબ સ્થિતિ 

રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગુજરાત કરતાં બિહાર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, કેરલ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી છે. આ ગુજરાતની નબળી આરોગ્ય વ્યવસ્થા અને યોજનાઓના અમલીકરણમાં ગંભીર ખામીઓ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *