શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર- કેરળના મલપ્પુરમ જિલ્લાના વલાનચેરીના રહેવાસી 30 વર્ષીય શિહાબ ચોત્તુરે 8,640 કિલોમીટરની પગપાળા હજ યાત્રા પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ શિહાબે આણંદ જિલ્લામાં પગ મૂકીને અલ-ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આણંદ સાથે ખાસ MOU કર્યા છે. શિહાબે અલ-ફલાહના માલિક અનિશભાઈ વિરાણી સાથે હજ, ઉમરાહ અને ઝિયારત માટેની સેવાઓને વધુ મજબૂત કરવા એક મહત્વના એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી હેઠળ શિહાબ યાત્રિકોને પોતાના અનુભવો, માર્ગદર્શન અને હજ-ઉમરાહની ઉંડી સમજ પૂરી પાડશે, જેનાથી યાત્રાળુઓને આધ્યાત્મિક યાત્રામાં વધુ સરળતા અને સમૃદ્ધિ મળશે.

શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર – આણંદ ખાતે અલ-ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં શિહાબ ચોત્તુર અને અનિશભાઈ વિરાણીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, જેની સાથે તેમણે લોકોને હજ અને ઉમરાહ યાત્રા માટે જોડાવવા અને આધ્યાત્મિક અનુભવો મેળવવા અપીલ કરી. શિહાબે જણાવ્યું, “આ ભાગીદારી દ્વારા હું મારા અનુભવો યાત્રિકો સાથે શેર કરીશ અને તેમને આ યાત્રાની પવિત્રતા અને મહત્વ સમજાવીશ.

શિહાબ ચોત્તુરે 2 જૂન, 2022ના રોજ કેરળના મલપ્પુરમથી મક્કા સુધીની 8,640 કિલોમીટરની યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે ભારત, પાકિસ્તાન, ઈરાન, ઇરાક, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા છ દેશોની સીમાઓ પગપાળા ઓળંગી. આ મેરેથોન ટ્રેકમાં તેમણે દરરોજ સરેરાશ 25 કિલોમીટર ચાલવું પડ્યું, અને કુલ 370 દિવસની મહેનત બાદ 7 જૂન, 2023ના રોજ તેઓ મક્કા પહોંચ્યા. યાત્રા દરમિયાન શિહાબે અનેક પડકારોનો સામનો કર્યો, જેમાં પાકિસ્તાનના વિઝા માટે ચાર મહિનાની રાહ, ઈરાનમાં ઠંડું વાતાવરણ અને જંગલી પ્રાણીઓનો સામનો સામેલ છે.
શિહાબે વધુમાં જણાવ્યું હતું કે “ગુજરાતના લોકોએ મને અપાર પ્રેમ અને સમર્થન આપ્યું. રાજ્યના વહીવટીતંત્ર અને પોલીસે મારી સુરક્ષા અને આતિથ્યનું ખાસ ધ્યાન રાખ્યું, જેના માટે હું હંમેશા ઋણી રહીશ.” તેમણે ખાસ કરીને આણંદ અને ગુજરાતના મુસ્લિમ સમુદાયના સહયોગની લાગણીસભર પ્રશંસા કરી.
આ પણ વાંચો- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

