Somnath Temple Corridor Rehabilitation : સોમનાથ તિર્થધામના ભવ્ય વિકાસ અર્થે નિર્માણ પામી રહેલા મંદિર કોરિડોર પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં આવતી આશરે ૩૮૪ મિલકતોના ધારકો હવે કોઈપણ જાતની જમીન કપાત (Land Contribution) વગર તેમના પુનર્વસન, રહેણાંક કે વાણિજ્ય હેતુ માટે બાંધકામની મંજૂરી મેળવી શકશે.
Somnath Temple Corridor Rehabilitation : સરકારનો નિર્ણય અને રાહત
નોંધનીય છે કે રાજ્ય સરકારના તાજેતરના હુકમ (તા.૦૩/૦૩/૨૦૨૬) મુજબ, કોરિડોરમાં વિસ્થાપિત થનાર મિલકતધારકો સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (SOUDA) ની હદમાં ગમે ત્યાં અનુકૂળ જગ્યાએ બાંધકામ કરી શકશે. આ માટે સરકાર દ્વારા ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે:
બાંધકામ મર્યાદા: જો હયાત બાંધકામ હોય, તો તેના ક્ષેત્રફળના મહત્તમ બમણા (૨ ગણા) ક્ષેત્રફળ સુધી બાંધકામ કરી શકાશે.
ખુલ્લો પ્લોટ: જો મિલકતધારક પાસે ખુલ્લો પ્લોટ હોય, તો તેટલા જ ક્ષેત્રફળની મર્યાદામાં બાંધકામની છૂટ મળશે.
લેન્ડ કોન્ટ્રીબ્યુશનમાંથી મુક્તિ: સૌથી મોટી રાહત એ છે કે આ બાંધકામ માટે લેન્ડ કોન્ટ્રીબ્યુશનની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે કોઈ પણ કપાત વગર સંપૂર્ણ મંજૂરી મળશે.
વિસ્તારની મર્યાદા નહી: જ્યાં વિકાસ યોજના (DP) બનેલ છે ત્યાં, નગરપાલિકાની વધેલી હદમાં અથવા તો જ્યાં હજુ વિકાસ યોજના અમલમાં નથી તેવા વિસ્તારોમાં પણ પોતાની બિનખેતી થયેલ જમીનમાં પરવાનગી મેળવી શકાશે.
અરજી પ્રક્રિયા અને સંપર્ક
અસરકર્તા મિલકતધારકોએ વાટાઘાટ સમિતિના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર સાથે વિકાસ પરવાનગી માટે નીચેના સરનામે સંપર્ક કરવાનો રહેશે:
કચેરીનું સરનામું:
સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ, રૂમ નં. ૩૨૮, બીજો માળ,
કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લા સેવા સદન,
ઈણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ.
ફોન નં: ૦૨૮૭૬-૨૨૦૧૧૨
ઈ-મેલ: cea-souda-gir@gujarat.gov.in
આ નિર્ણયથી કોરિડોર પ્રોજેક્ટમાં પોતાની જમીન કે મકાન ગુમાવનાર પરિવારો અને વેપારીઓને નવેસરથી પોતાનું ગુજરાન ચલાવવામાં અને રહેણાંકની સુવિધા ઊભી કરવામાં મોટી મદદ મળશે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપે 7 મોરચા અને 4 મહાનગરોમાં નવા પ્રભારીઓની કરી જાહેરાત

