અમદાવાદ પ્લેન ક્રેશ : ગત 12 જૂન 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ક્રેશ થઈ હતી. આ દુખદ ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242 પેસેન્જરોમાંથી 241 અને ઘટનાસ્થળે 30-35 લોકો મળી કુલ 275 લોકોનાં મોત થયા હતા. 23 જૂન 2025 સુધીમાં 253 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાં 240 પેસેન્જર અને 13 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે. કુલ 19 નોન-પેસેન્જરના પાર્થિવદેહ સોંપવામાં આવ્યા, જેમાં 13ની ઓળખ DNA રિપોર્ટ અને 6ની ઓળખ ચહેરા દ્વારા કરાઈ.
ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા દ્વારા વળતરની જાહેરાત
અમદાવાદ પ્લેન ક્રેશ: આ દુર્ઘટના બાદ ટાટા ગ્રૂપે મૃતકોના પરિવારોને 1 કરોડ રૂપિયા અને એર ઈન્ડિયાએ 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સહાય ઝડપથી પીડિત પરિવારો સુધી પહોંચે તે માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલના ત્રીજા માળે ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 23 જૂન સુધીમાં ત્રણ મૃતકોના પરિવારોને વળતર ચૂકવાઈ ચૂક્યું છે.
ફેસિલિટેશન સેન્ટરની કાર્યપ્રણાલી
ફેસિલિટેશન સેન્ટરમાં મૃતકોના પરિવારજનોએ રૂબરૂ હાજર થવું પડે છે. પરિવારે મૃતકની વિગતો, ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, DNA રિપોર્ટ સહિતના દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. દસ્તાવેજોની ચકાસણી દિલ્હીની ઓફિસ દ્વારા થાય છે, અને ત્યારબાદ 3થી 4 દિવસમાં વળતરનો ચેક અથવા રકમ પરિવારના ખાતામાં જમા કરવામાં આવે છે. એર ઈન્ડિયા દ્વારા પરિવારોને અગાઉથી ફોન દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
આ ફેસિલિટેશન સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ઝડપથી અને પારદર્શક રીતે વળતર પહોંચાડવાનો છે. આ પ્રક્રિયા દ્વારા પીડિત પરિવારોને આર્થિક સહાય મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – Israel-Iran War: ઈરાને છેલ્લી ઘડી સુધી હાર ન માની, આ 2 ફોન કોલ્સથી ઈઝરાયલ સાથે યુદ્ધ બંધ થયું