રૂદ્ર પટેલની અંતિમ યાત્રા – અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની દુ:ખદ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 12 જૂન, 2025ના રોજ બપોરે થયેલી આ વિમાન દુર્ઘટનામાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના રહેવાસી રુદ્ર ચિરાગકુમાર પટેલનું અવસાન થયું, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ છે. રુદ્રની સ્મશાન યાત્રામાં આજે સમગ્ર વિસ્તારના લોકો ગમગીન થઈ ઉમટ્યા હતા, જે એક ભાવનાત્મક અને દુ:ખદ દૃશ્ય હતું.રૂદ્ર પટેલની સ્મશાન યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત અનેક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રૂદ્ર પટેલની અંતિમ યાત્રા – અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના રુદ્ર ચિરાગકુમાર પટેલના દુ:ખદ અવસાને સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો છે. 17 જૂન, 2025ના રોજ યોજાયેલી રુદ્રની સ્મશાન યાત્રા દરમિયાન તેમના માતા-પિતાનું હૈયાફાટ રૂદન હાજર દરેકની આંખો ભીની કરી ગયું. ભારે હૃદયે તેઓએ પોતાના લાડકા પુત્રને અંતિમ વિદાય આપી, જે દ્રશ્ય અત્યંત ભાવનાત્મક અને વેદનાદાયક હતું.
રુદ્ર, જે પોતાના પરિવારની આશાઓનું કેન્દ્ર હતો, તેની આ અણધારી વિદાયએ માતા-પિતાને આઘાતમાં મૂકી દીધા. સ્મશાન યાત્રા દરમિયાન તેમના આક્રંદે ગામના લોકોના હૃદયને ચીરી નાખ્યું. “અમારો રુદ્ર ક્યાં ગયો?” એવા શબ્દો સાથે તેમની વેદના ફૂટી નીકળી, જેનાથી વાતાવરણ ગમગીન બની ગયું. ગામના લોકો અને સગા-સંબંધીઓએ તેમને ધીરજ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક માતા-પિતાની આ ખોટને કોઈ શબ્દો સાંત્વના ન આપી શકે.
રુદ્રના માતા-પિતાએ પોતાના પુત્રના સપનાઓને પાંખો આપવા માટે અથાગ મહેનત કરી હતી. તેમની આ પ્રથમ વિદેશ યાત્રા હતી, જે તેમના માટે, ગૌરવની સાથે આશાઓની નવી શરૂઆત હતી. પરંતુ આ દુર્ઘટનાએ તેમના સૌના સપના છીનવી લીધા. સ્મશાનભૂમિ પર રુદ્રના અંતિમ સંસ્કાર વખતે, માતા-પિતાની આંખોમાંથી ઝરતા આંસુ અને તેમના હૈયામાં દટાયેલી વેદના દરેકના હૃદયને ભેદી ગઈ.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન (ગેટવિક) જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી 241 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. માત્ર એક મુસાફર, વિશ્વાસ કુમાર, આ ભયાનક દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.