મહેમદાવાદની દુર્દશા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. મહેમદાવાદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા અને વિકાસના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરાશાવાદી બની રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી રાવળવાસ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ રહેવાસીઓનું જીવન નર્કમય બનાવી દીધું છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

મહેમદાવાદની દુર્દશા: નોંધનીય છે કેઆ વિસ્તારમાં ધોરણ 1થી 8ની શાળા અને મસ્જિદ આવેલી છે, વિધાર્થી, નમાઝીઓ અને રહેવાસીઓને પારાવર મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓ અને રહેવાસીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગટરના ઉભરતા ગંદા પાણીની અસહ્ય દુર્ગંધ વિદ્યાર્થીઓને શાળામાં બેસવું પણ મુશ્કેલ બનાવે છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ચોમાસામાં તો વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકે તેમ નથી, અને ઘણીવાર તેઓને ગોળ ફરીને મસ્જિદના પટાંગણમાંથી શાળા પહોંચવું પડે છે. આ ઉપરાંત, દિવંગત માજી પ્રમુખ શફીભાઈ મન્સુરીના નામે બનેલો એસ.વાય મન્સુરી હોલ ગટરના પાણી અને ખરાબ રસ્તાઓના કારણે વણવપરાયેલો પડ્યો રહ્યો છે, જે આ વિસ્તારની દુર્દશાનું જીવંત પ્રમાણ છે.

મહેમદાવાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મુદ્દે સંપૂર્ણ ઉદાસીન રહ્યા છે. રહેવાસીઓએ મામલતદારથી લઈને કલેક્ટર સુધી અનેક રજૂઆતો કરી, પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી અને નિરીક્ષણ પણ થયું, પરંતુ તંત્રએ ફરી એકવાર આંખ આડા કાન કરી દીધા. રહેવાસીઓ નિયમિત ટેક્સ ભરે છે, પરંતુ નગરપાલિકા દ્વારા મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળતા દેખાઈ રહી છે.
ચોંકાવનારી વાતએ છેકે નગરપાલિકાનીચૂંટણી દરમિયાન મામલતદાર અને ચીફઓફિસરે માત્ર એક દિવસ માટે ગંદકી અને રસ્તાઓની સફાઈ કરાવી,પરંતુ તેપછી ફરી ઉદાસીનતા જોવા મળી ,જે નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેજવાબદારીનો પરિચય આપે છે.

વિકાસશીલ ગુજરાતનો દાવો કરતું મહેમદાવાદ શહેર આજે દુર્દશાનો શિકાર બન્યું છે. રાવળવાસના રહેવાસીઓએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી માગણી કરી છે, નહીં તો તેઓ જનઆંદોલનનો રસ્તો અપનાવશે અને મુખ્યમંત્રી કચેરીમાં રૂબરૂ ફરિયાદ કરવાની ચીમકી આપી છે. સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહેમદાવાદ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, નહીં તો આ ઉદાસીનતા શહેરના ભવિષ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે.
https://youtube.com/shorts/xK4GXx6h11Q?si=AK8R55WTZ1oiolFq