‘Inshallah Tomorrow’: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે અત્યાર સુધીની સૌથી ખતરનાક ધમકી આપતા કહ્યું હતું કે, જો સમાધાન નહીં થાય તો આજની રાત “આખી સભ્યતાનો અંત” લાવી દેશે. ટ્રમ્પની આ ધમકી વચ્ચે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના મહત્વના ખાર્ગ આઇલેન્ડ (જ્યાં મોટા તેલ ભંડાર છે), રેલવે પુલો અને પાવર પ્લાન્ટ્સ પર જબરદસ્ત બોમ્બમારો શરૂ કરી દીધો છે.
‘Inshallah Tomorrow’: ઇરાને પણ ટ્રમ્પને આપી ધમકી
ટ્રમ્પની આ ભયાનક ધમકી સામે ઈરાને નમતું જોખવાના બદલે આકરો પલટવાર કર્યો છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે હવે અમેરિકા સાથે વાતચીતની કોઈ જ ગુંજાઈશ બચી નથી અને તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખવામાં આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને ચેતવણી આપી છે કે 1.40 કરોડ ઈરાનીઓ પોતાના દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપવા તૈયાર છે.
IRGCની અમેરિકાને આ ધમકી
ઈરાનના ‘રિવોલ્યુશનરી ગાર્ડ’ (IRGC) એ ધમકી આપી છે કે જો ઈરાન પર હુમલા ચાલુ રહેશે તો અમેરિકાના સહયોગી એવા ખાડી દેશોના શહેરોને રહેવા લાયક નહીં છોડવામાં આવે. એટલું જ નહીં, અમેરિકા અને તેના સહયોગીઓ માટે આ વિસ્તારમાંથી ક્રૂડ ઓઈલ અને ગેસ મેળવવો એક સપનું બની જશે. હોર્મુઝ અને બાબ અલ-મંદેબ સ્ટ્રેટ (જળમાર્ગો) પણ બંધ કરી દેવામાં આવશે.
મંગળવારે ઈરાનના ખાર્ગ આઇલેન્ડ પર 50થી વધુ હુમલાઓ થયા હતા. જવાબમાં ઈરાને સાઉદી અરેબિયાના જુબેલ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો છે. ઈઝરાયલી સેનાએ ઈરાનના નાગરિકોને રાત્રે 9 વાગ્યા પછી ટ્રેનમાં મુસાફરી ન કરવા માટે ચેતવણી આપી છે. બીજી તરફ, ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીયોને આગામી 48 કલાક સુધી ઘરની અંદર જ રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની એડવાઈઝરી જાહેર કરી છે.
આ પણ વાંચો: ઈરાનના જડબામાંથી પાયલટને બચાવી લાવ્યું અમેરિકા: ટ્રમ્પે કરી ઐતિહાસિક રેસ્ક્યુ ઓપરેશનની જાહેરાત

