Thalapathy Vijay Election Promises: તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) દ્વારા મોટો ધડાકો કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે વિજયે જનતાને આકર્ષવા માટે મફત ભેટોની લહાણી કરવાની જાહેરાત કરી છે. વિજયે વચન આપ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યની દરેક મહિલાને 8 ગ્રામ સોનાનો સિક્કો અને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

Thalapathy Vijay Election Promises : મહિલા મતદારો પર સીધું નિશાન
નોંધનીય છે કે વિજયની આ જાહેરાતને તમિલનાડુના રાજકારણમાં એક મોટા ‘માસ્ટરસ્ટ્રોક’ તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યા નિર્ણાયક છે, અને વિજયે તેમને સીધી રીતે આકર્ષવા માટે સોના અને રોકડની ગેરંટી આપી છે. વિજયે જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.
ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો
ચૂંટણી વચનોની સાથે વિજયે વર્તમાન શાસન પર પણ આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે TVK સત્તામાં આવશે તો તમિલનાડુને ભ્રષ્ટાચાર મુક્ત બનાવશે. તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ મોટા સુધારા કરવાની ખાતરી આપી છે. વિજયની આ જાહેરાતો બાદ રાજ્યના સ્થાપિત પક્ષો DMK અને AIADMK માં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે વિજયની લોકપ્રિયતા યુવાનો અને મહિલાઓમાં ખૂબ જ વધારે છે.
તમિલનાડુમાં ‘ફ્રીબીઝ’ ની સંસ્કૃતિ
ઉલ્લેખનીય છે કે તમિલનાડુનું રાજકારણ હંમેશા મફત ભેટો (Freebies) માટે જાણીતું રહ્યું છે. અગાઉના નેતાઓએ ટીવી, મિક્સર અને લેપટોપ જેવી ભેટો આપીને સત્તા મેળવી છે. હવે વિજયે સોનાનો સિક્કો અને રોકડની જાહેરાત કરીને આ સ્પર્ધાને એક નવા સ્તર પર પહોંચાડી દીધી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો વિજય આ વચનોને જનતા સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં સફળ રહેશે, તો તેઓ આગામી ચૂંટણીમાં કિંગમેકર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ભારતે ઈરાની યુદ્ધ જહાજ ‘IRIS Lavan’ની કરી આ રીતે ખાસ મદદ!

