રાજકોટમાં વરસાદ- ગુજરાતમાં ભરઉનાળે છૂટાછવાયા વરસાદ બાદ હવે સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.રાજકોટમાં બે કલાકમાં જ બે ઇંચ વરસાદ પડ્યો હતો
રાજકોટમાં ભારે વરસાદ, હોર્ડિંગ ધરાશાયી
રાજકોટમાં વરસાદ- આજે રાજકોટ, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ નોંધાયો. રાજકોટ શહેરના ગોંડલ ચોકડી, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, કાલાવડ, અને યુનિવર્સિટી રોડ પર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો. ભારે પવનને કારણે શહેરમાં હોર્ડિંગ ધરાશાયી થયા, જેનાથી નુકસાનની શક્યતા વધી છે.
ગોંડલમાં ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ, ખેડૂતોને નુકસાન
રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે વીજળીના ચમકારા અને ભારે પવન જોવા મળ્યા. ગોંડલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં વૃક્ષો ધરાશાયી થયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ સર્જાઈ, જ્યાં ડુંગળીનો જથ્થો પલળી ગયો અને તાડપત્રીઓ ઉડી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું.
વરસાદના આંકડા: રાજકોટમાં સૌથી વધુ 2.6 ઈંચ
સાંજે 6 થી 8 વાગ્યાના બે કલાકના ગાળામાં રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ રાજકોટ શહેરમાં 2.6 ઈંચ વરસાદ પડ્યો. અન્ય વિસ્તારોમાં વરસાદના આંકડા નીચે મુજબ છે:
-
કુંકાવાવ-વડિયા: 48 મિમી
-
જામજોધપુર: 25 મિમી
-
ગોંડલ: 18 મિમી
-
રાણાવાવ: 17 મિમી
-
ભેંસાણ: 17 મિમી
-
લોધિકા: 13 મિમી
-
વઢવાણ: 04 મિમી
-
સાયલા: 04 મિમી
-
જેતપુર: 01 મિમી
આગામી દિવસોમાં સાવચેતી રાખવા અપીલ
હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને પવનની શક્યતાને ધ્યાને લઈને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા અને ખુલ્લામાં રાખેલી જણસને ઢાંકવાની સલાહ આપવામાં આવી છે.