રવિવારે ઓપરેશન સ્પાઇડરવેબ શરૂ કરીને રશિયાને મોટો ફટકો આપનાર યુક્રેને હવે ત્રીજા દિવસે પાણીની અંદર વિસ્ફોટ કરીને દુશ્મન દેશને ફરીથી હચમચાવી દીધો છે. યુક્રેનની સુરક્ષા સેવા (SBU) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે રશિયા અને ક્રિમીઆ દ્વીપકલ્પને જોડતા રોડ અને રેલ પુલને પાણીની અંદર વિસ્ફોટકોથી ઉડાવી દીધો છે. SBU એ ટેલિગ્રામ એપ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે મંગળવારે વહેલી સવારે 1100 કિલો TNT વિસ્ફોટકોનો ઉપયોગ કરીને આ પુલને ઉડાવી દીધો હતો.
વિસ્ફોટથી પુલના પાણીની અંદરના થાંભલાઓને નુકસાન થયું હતું. તેનાથી ક્રિમીઆ સાથે રશિયાનો સંપર્ક ખોરવાઈ ગયો છે. આ પુલ યુક્રેનમાં તૈનાત રશિયન સેનાને લોજિસ્ટિક્સ અને શસ્ત્રો સપ્લાય કરવા માટેનો મુખ્ય માર્ગ હતો.
પુલ પર ટ્રાફિક ફરી શરૂ થયો હોવાનો દાવો
બીજી તરફ, આ પુલ પર નિયમિત સ્થિતિ અપડેટ આપનારા સત્તાવાર રશિયન આઉટલેટે કહ્યું છે કે સ્થાનિક સમય મુજબ સવારે 4 થી 7 વાગ્યાની વચ્ચે પુલ પર ટ્રાફિક લગભગ ત્રણ કલાક માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. જો કે, રશિયન આઉટલેટે આ કામચલાઉ બંધનું કોઈ કારણ આપ્યું નથી. આઉટલેટે પછીથી કહ્યું કે પુલ ફરીથી ખોલવામાં આવ્યો છે અને સામાન્ય રીતે કાર્યરત છે.
ક્રિમીઆ બ્રિજ પહેલા બે વાર ઉડાવી દેવામાં આવ્યો હતો
SBU એ તેના નિવેદનમાં કહ્યું, “અગાઉ, અમે 2022 અને 2023 માં બે વાર ક્રિમીઆ બ્રિજને ઉડાવી દીધો હતો. તેથી આજે અમે તેને પાણીની અંદર વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની પરંપરા ચાલુ રાખી. SBU એ એમ પણ કહ્યું છે કે આ ઓપરેશનની તૈયારીઓ ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. SBU એ આ હુમલાનો વીડિયો ફૂટેજ પણ શેર કર્યો છે, જેમાં પુલના થાંભલાઓ વચ્ચે વિસ્ફોટ જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે રવિવારે યુક્રેને સૌથી ઘાતક હુમલો કર્યો હતો અને ડ્રોન હુમલામાં રશિયાના ચાર એરબેઝ પર તૈનાત 40 થી વધુ ફાઇટર પ્લેનનો નાશ કર્યો હતો. આના કારણે રશિયાને લગભગ સાત અબજ ડોલરનું નુકસાન થયું છે.