ઈસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ભયાનક ધમકી

US Iran Peace Talks

US Iran Peace Talks : અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહેલી ઐતિહાસિક શાંતિ વાટાઘાટો (Peace Talks) પર આખી દુનિયાની નજર ટકેલી છે. આ અતિ-મહત્વની બેઠક શરૂ થાય તે પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી અને ભયાનક ધમકી આપીને માહોલ ફરીથી ગરમાવી દીધો છે.

US Iran Peace Talks : ટ્રમ્પનું આક્રમક નિવેદન

શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો પાકિસ્તાનમાં યોજાઈ રહેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે, તો અમે ઈરાન પર ફરીથી વિનાશક હુમલાઓ કરવા માટે અમારા યુદ્ધપોતો (Warships) માં સૌથી શ્રેષ્ઠ અને અત્યાધુનિક હથિયારો તૈનાત કરી રહ્યા છીએ.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, “આગામી 24 કલાકમાં જ આપણને ખબર પડી જશે કે આ વાતચીત સફળ થાય છે કે નહીં. જો સમજૂતી નહીં થાય, તો અમે આ તાકાતવર હથિયારોનો ખૂબ જ પ્રભાવી રીતે ઉપયોગ કરીશું.”

આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance), વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે ઈસ્લામાબાદ જવા રવાના થયા છે. બે અઠવાડિયાના યુદ્ધવિરામ (સીઝફાયર) વચ્ચે આને અંતિમ અને નિર્ણાયક શાંતિ મંત્રણા માનવામાં આવી રહી છે.

“અમેરિકા સાથે ‘ગેમ’ ન રમશો…” જેડી વેન્સની ચેતવણી

વાટાઘાટો માટે રવાના થતા પહેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ઈરાનને આડે હાથ લેતા કહ્યું હતું કે, “તેહરાન (ઈરાન) અમેરિકા સાથે કોઈ ગેમ રમવાની કોશિશ ન કરે.” ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સૌથી વિશ્વાસુ વ્યક્તિને 6 અઠવાડિયાથી ચાલી રહેલા આ ભયાનક યુદ્ધનો અંત લાવવાની મોટી જવાબદારી સોંપી છે, જેથી ‘સભ્યતા ખતમ’ કરવાની તેમની ધમકીને જમીન પર ઉતારવી ન પડે.

ઈરાને વાતચીત પહેલા મૂકી આ 2 આકરી શરતો

સામે પક્ષે, ઈરાન પણ નમતું જોખવાના મૂડમાં નથી. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલીબફે ‘X’ પર પોસ્ટ કરીને અમેરિકાને પોતાની બે શરતો યાદ અપાવી છે. ગાલીબફે કહ્યું કે શાંતિ મંત્રણા શરૂ થાય તે પહેલા આ બે મુદ્દાઓનો ઉકેલ લાવવો જરૂરી છે:

લેબનોનમાં સીઝફાયર

વાટાઘાટો પહેલા અમેરિકા દ્વારા ફ્રીઝ (જપ્ત) કરવામાં આવેલી ઈરાનની સંપત્તિઓને મુક્ત કરવી.ઈસ્લામાબાદમાં યોજાનારી આ બેઠકમાં ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ ગાલીબફ ભાગ લે તેવી પૂરી સંભાવના છે. હવે આગામી 24 કલાક આખી દુનિયા માટે અત્યંત નિર્ણાયક બની રહેવાના છે.

આ પણ વાંચો: ભારતની ન્યુક્લિયર એનર્જી સુરક્ષા માટે મોટા સમાચાર: કઝાકિસ્તાન સાથે યુરેનિયમનો ઐતિહાસિક સોદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *