Ali Larijani warning to Trump : અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. આ દરમિયાન, ઈરાને ખુલ્લેઆમ અમેરિકા સામે કડક પગલાં લેવાની ધમકી આપી છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે.લારીજાનીએ જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ કરવું સહેલું હોઈ શકે છે, પરંતુ થોડા ટ્વીટથી તેનો અંત લાવી શકાતો નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ટ્રમ્પ પોતાની ભૂલ સ્વીકારીને કિંમત ચૂકવશે નહીં ત્યાં સુધી ઈરાન પાછળ હટશે નહીં.
Trump says he is looking for a speedy victory. While starting a war is easy, it cannot be won with a few tweets. We will not relent until making you sorry for this grave miscalculation. #TrumpMustPay
— Ali Larijani | علی لاریجانی (@alilarijani_ir) March 12, 2026
Ali Larijani warning to Trump “અમે તમને છોડીશું નહીં”: લારીજાની
લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “ટ્રમ્પ કહે છે કે તેઓ ઝડપી વિજયની શોધમાં છે, પરંતુ યુદ્ધ શરૂ કરવું સરળ છે, તેનો અંત થોડા ટ્વીટથી લાવી શકાતો નથી. જ્યાં સુધી તમે તમારી ભૂલ સ્વીકારીને કિંમત ચૂકવશો નહીં, ત્યાં સુધી અમે તમને છોડીશું નહીં.”બીજી તરફ બુધવારે, ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનમાં એટલા મોટા હુમલા કર્યા છે કે હવે લક્ષ્ય બનાવવા માટે ત્યાં લગભગ કંઈ બચ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે યુદ્ધનો અંત લાવી શકે છે.
ઈરાનની લશ્કરી કમર તૂટી ગઈ: ટ્રમ્પ
ઓહિયો અને કેન્ટુકીના પ્રવાસે જતા પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓએ ઈરાનની લશ્કરી કમર તોડી નાખી છે. “ઈરાને તેની નૌકાદળ અને વાયુસેના ગુમાવી દીધી છે અને તેના ઘણા ટોચના નેતાઓ માર્યા ગયા છે. જો જરૂરી હોય તો, અમે વધુ કડક કાર્યવાહી કરવા તૈયાર છીએ,” તેમ ટ્રમ્પે જણાવ્યું હતું.
અમે શહીદોના લોહીનો બદલો લેવામાં પાછળ હટીશું નહીં: મોજતબા ખામેની
આ દરમિયાન, ઈરાનના નવા સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ મોજતબા ખામેનીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ હાલ પૂરતો બંધ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસ બેઝ પર હુમલા ચાલુ રહેશે. “અમે નિર્દોષોની હત્યાનો બદલો લઈશું અને આ વિસ્તારમાં આવેલા તમામ યુએસ બેઝ બંધ કરાવવામાં આવશે.”
મોજતબા ખામેનીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે શહીદોના લોહીનો બદલો લેવામાં પાછળ હટીશું નહીં. હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેવો જોઈએ. અમે અમારા શહીદોના, ખાસ કરીને મીનાબના શહીદોના લોહીનો બદલો લેવામાં અચકાઈશું નહીં. આ વિસ્તારમાં આવેલા તમામ યુએસ બેઝ તાત્કાલિક બંધ થવા જોઈએ, અન્યથા તે બેઝ પર હુમલા કરવામાં આવશે.”
આ પણ વાંચો: ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ આપ્યું પહેલું નિવેદન, બદલો લેવામાં આવશે!

