rain in Ranavav ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી પોરબંદર જિલ્લાના અલગ-અલગ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે કુતિયાણાના ચૌટા ખાતેથી પસાર થતી ભાદર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. હાલ તો તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તાર અને ઘેડ પંથકના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
rain in Ranavav જો પોરબંદર જિલ્લામાં દિવસ દરમિયાન ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, રાણાવાવમાં સૌથી વધુ 240 મિ.મી. (9.4 ઈંચ) જેટલો વરસાદ ખાબક્યો છે. જે પૈકી છેલ્લા 10 કલાકમાં જ 8 ઈંચ વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, પોરબંદરમાં 205 મિ.મી. (8 ઈંચ), કુતિયાણામાં 103 મિ.મી (4 ઈંચ) વરસાદ નોંધાયો છે. સરકારી આંકડા મુજબ સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં રાણાવાવમાં 73 મિ.મી (2.8 ઈંચ) તેમજ પોરબંદર અને જામનગરના જામજોધપુરમાં 57 મિ.મી (2.2 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે દિવસ દરમિયાન પડેલા વરસાદથી પોરબંદરના નીચાણવાળા વિસ્તાર છાયા ચોકી, સુદામા ચોક જળમગ્ન થયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય પોરબંદરને પાણી પુરુ પાડતા ફોદાળા અને ખંભાળા ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતમાં મેઘતાંડવ, રાજ્યના 251 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ટંકારામાં ખાબક્યો