West Bengal Violence Against Waqf Act: પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધે હિંસા ફાટી નીકળી, વાહનો સળગાવાયા, પથ્થરમારાના બનાવો

West Bengal Violence Against Waqf Act:  વક્ફ સુધારા કાયદાને લઇને પશ્ચિમ બંગાળના જંગીપુર વિસ્તારમાં શુક્રવારની સાંજ હિંસક વળાંક લાવી ગઈ. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તીવ્ર વિરોધ દરમિયાન હિંસાના દૃશ્યો સર્જાયા. વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાંએ પોલીસ સાથે અથડાઈ જતાં હાલત બેકાબૂ બની ગઈ હતી.

વિરોધ દરમિયાન રસ્તા બંધ અને આગચાંપીના બનાવો
જંગીપુરના મુખ્ય માર્ગો પર પ્રદર્શનકારીઓએ વક્ફ કાયદાને પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા ટોળાને વિખેરવાનો પ્રયાસ થતાં અચાનક વાતાવરણ તંગ બની ગયું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને કેટલાંક સરકારી તેમજ ખાનગી વાહનોને આગ ચાંપી દીધી.

પ્રશાસનએ લાઠીચાર્જ અને આંસુગેસનો સહારો લીધો
પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. હિંસક બનેલી સ્થિતિને જોતા જિલ્લા પ્રશાસને તાત્કાલિક સુરક્ષા બંદોબસ્તમાં વધારો કર્યો છે. પોલીસ દ્વારા વધુ ભીડ એકઠી ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ઘાયલોના અહેવાલ અને તણાવપૂર્ણ માહોલ
આ અથડામણમાં અનેક લોકો ઘાયલ થયાની આશંકા છે, જેમાં પોલીસના જવાન પણ સામેલ હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળ્યું છે. સમગ્ર વિસ્તારમાં તણાવ ભર્યું માહોલ સર્જાયો છે. સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને અફવાઓથી દૂર રહેવા આગ્રહ કર્યો છે.

વિરોધીઓનો સપાટો: કાયદો પાછો નહીં લેવાય તો વિરોધ યથાવત રહેશે
વિરોધ કરી રહેલા સમૂહોએ ઘોષણા કરી છે કે તેઓ ત્યા સુધી આંદોલન ચાલુ રાખશે જ્યાં સુધી વક્ફ સુધારા કાયદો પાછો લેવામાં નહિ આવે. વળી, હજુ વધુ વિસ્તારોમાં વિરોધ પ્રસરે તેવી શક્યતાઓ વચ્ચે સુરક્ષા એજન્સીઓએ એલર્ટ રહેવાની તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *