મહેમદાવાદ-પ્રિમોન્સુન : મહેમદાવાદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ શહેરની પરિસ્થિતિ ગંભીર બની છે. ચોમાસા પહેલાં 15 દિવસમાં નગરપાલિકાએ શહેરભરમાં આડેધડ ખાડા ખોદી નાખ્યા, જેના પરિણામે મૂશળધાર વરસાદે રસ્તાઓની હાલત બગાડી દીધી. ખાત્રેજ દરવાજાથી વહોરવાડ અને સાંકડા બજાર સુધીનો મુખ્ય રસ્તો ખાડાઓના કારણે બંધ કરવો પડ્યો, જેની સૌથી વધુ અસર વોર્ડ નંબર 3ના રહેવાસીઓને થઈ રહી છે. આ વિસ્તારના લોકો છેલ્લા 15 દિવસથી સાંકડા બજારના રોડનો ઉપયોગ કરી શકતા નથી, જેનાથી રોજિંદા જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગટરની ગંદકીથી સ્થિતિ વધુ ગંભીર
મહેમદાવાદ-પ્રિમોન્સુન –ખાત્રેજથી ખાત્રેજ દરવાજા સુધી ગેરકાયદેસર રીતે જોડાયેલા અંડરગ્રાઉન્ડ ગટર કનેક્શનની નવી લાઈન નુકસાનગ્રસ્ત થઈ છે, જેના કારણે ગટરનું ગંદું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે. આ સમસ્યાએ હદ તો ત્યારે પાર કરી જ્યારે સુજા ખાન કબ્રસ્તાનમાં કબરો પર ગંદું પાણી ભરાઈ ગયું. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી, જેના કારણે રહેવાસીઓ હવે હતાશ થઈ રહ્યા છે.
નગરપાલિકાની બેદરકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરી
વોર્ડ નંબર 3ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી જીત્યા બાદ વિસ્તારમાં દેખાતા નથી, જેના કારણે રહેવાસીઓ પોતાની સમસ્યાઓ કોને રજૂ કરે તેનો સવાલ ઉભો થયો છે.મહેમદાવાદ શહેરોમાં પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અંગે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. મહેમદાવાદની આ સમસ્યા પણ નગરપાલિકાની બેદરકારી અને આયોજનના અભાવને દર્શાવે છે.
કબ્રસ્તાન સભ્યોની રજૂઆત
આજે, 23 જૂન, 2025ના રોજ, કબ્રસ્તાનના સભ્યો કરીમભાઈ મલેક, સાજીદભાઈ મલેક, મોઈનભાઈ મલેક અને ઈમ્તિયાઝભાઈએ નગરપાલિકાના ચીફ ઓફિસરની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની ગંભીરતા જણાવી. તેમણે ખાડા, ગટરના ગંદા પાણી અને કબ્રસ્તાનમાં પાણી ભરાવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માગણી કરી. ચીફ ઓફિસરે વહેલી તકે સમસ્યા હલ કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, રાજુભાઈ પટેલને પણ આ મુદ્દે જાણ કરવામાં આવી, અને તેમણે કબ્રસ્તાનમાં પાણી ન જાય તેવી વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે.