Gujarat Child and Maternal Health : વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ “સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય” મુજબ ગુજરાતે માતા અને બાળકના આરોગ્ય ક્ષેત્રે દેશભરમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. રાજ્યમાં શિશુ મૃત્યુ દરમાં 57.40%નો તથા માતૃત્વ મૃત્યુ દરમાં 50%નો ઘટાડો નોંધાયો છે, જે રાજ્યના આરોગ્ય વ્યવસ્થામાં કરવામાં આવેલા સુધારાઓનું દ્રષ્ટાંત છે.
માતૃત્વને બનાવ્યું વધુ સુરક્ષિત અને આરોગ્યપ્રદ
ગુજરાત સરકારે 2011-13માં 112 રહેલા માતૃત્વ મૃત્યુ દરને ઘટાડી 2020 સુધીમાં 57 પર લાવી દીધો છે. રાજ્યભરમાં દર વર્ષે 14 લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓને આરોગ્ય સેવાઓ, રસીકરણ અને પોષણની સુવિધાઓ સમયસર અને ગુણવત્તાવાળી રીતે પૂરી પાડવામાં આવે છે. 121 ફર્સ્ટ રેફરલ યુનિટ્સ (FRUs), 153 બ્લડ સ્ટોરેજ સેન્ટર અને 20 મેટરનિટી ICUની સ્થાપના કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યમાં સંસ્થાકીય ડિલિવરીનો દર 99.97% સુધી પહોંચ્યો છે.
શિશુ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડાનો યશકારક સફર
રાજ્યે બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપીને 2005માં પ્રતિ 1000 જન્મે 54 રહેલા શિશુ મૃત્યુ દરને 2020 સુધીમાં 23 પર લાવી દીધો છે. HBNC (હોમ બેઝ્ડ ન્યૂબોર્ન કેર), HBYC (હોમ બેઝ્ડ યંગ ચાઈલ્ડ કેર), SAANS અને સ્ટોપ ડાયરિયા જેવી પહેલોના પરિણામે રાજ્યે આ નોંધપાત્ર સફળતા મેળવી છે. સાથે સાથે 58 SNCU, 138 NBSU અને 1,083 NBCCની સ્થાપનાથી શિશુના આરોગ્ય માટે મજબૂત બેઝ તૈયાર થયો છે.
શાળાના બાળકો માટે આરોગ્યનો નવી દિશા: SH-RBSK અને ડિજિટલ હેલ્થ કાર્ડ
SH-RBSK યોજના હેઠળ દર વર્ષે રાજ્યમાં 1.61 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ થાય છે. હવે સુધી 206 કિડની, 37 લીવર અને 211 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગંભીર બીમારીઓ જેવી કે કિડની રોગો, કેન્સર અને હૃદયની તકલીફો માટે હજારો બાળકોને નિ:શુલ્ક સારવાર આપી છે.
શ્રવણ ક્ષમતા ગુમાવનાર બાળકો માટે આશાનું કિરણ
“બ્રેકિંગ ધ સાયલન્સ” અભિયાન હેઠળ શ્રવણ શક્તિ ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે રૂ. 228 કરોડના ખર્ચે કૉક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવવાનો વિશિષ્ટ અભિગમ અપનાવ્યો છે. અત્યાર સુધી 3,260થી વધુ બાળકોને ફરીથી સાંભળવાની શક્તિ મળી છે.
ડિજિટલ હેલ્થ કાર્ડમાં પણ ગુજરાત આગળ
ગુજરાત એ દેશનું પહેલું રાજ્ય છે જેણે શાળાના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ રજૂ કર્યા છે. અત્યાર સુધીમાં 1.15 કરોડથી વધુ બાળકોને ડિજિટલ હેલ્થ રિપોર્ટ આપો થયું છે, જેનાથી સમયસર રોગોની ઓળખ અને સારવાર શક્ય બની છે. 2019થી 2023 સુધીમાં ગુજરાતે જન્મજાત વિકારોની ઓળખ અને વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.