વકફ સુધારા વિધેયક પર સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6 અરજીઓ દાખલ

વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલે વહેલી તકે સુનાવણી કરવા માંગ કરવામાં આવી છે. વકફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા કોર્ટ સંમત થઈ છે.વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્ય સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ મહત્વપૂર્ણ છે અને તેને કોઈપણ કિંમતે પ્રાથમિકતા આપવી જોઈએ. આ શક્ય તેટલી વહેલી તકે સાંભળવા જોઈએ.

તેના પર CJI સંજીવ ખન્નાએ કહ્યું કે તમે વકીલોને કહો કે અમને મેલ અથવા પત્ર મોકલો. તેના પર સિબ્બલે કહ્યું કે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેના પર CJIએ બપોરે પત્ર જોવા કહ્યું.

આ છ અરજીઓમાં ઈસ્લામિક ધાર્મિક નેતાઓના સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીની અરજી પણ સામેલ છે, જેમાં તેમણે વકફ બિલની બંધારણીયતાને પડકારી છે. આ સિવાય કેરળના તમામ જમિયાતુલ ઉલેમા, આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લા ખાન, કોંગ્રેસના સાંસદ જાવેદ મોહમ્મદની અરજી, AIMIMના અસદુદ્દીન ઓવૈસી અને એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સની અરજીઓ સામેલ છે.અરજીમાં આ કાયદાને કલમ 26 હેઠળ સંરક્ષિત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને કહ્યું છે કે આ કાયદાના અમલથી મુસ્લિમ સમુદાય વકફ મિલકતોથી વંચિત થઈ જશે. મુસ્લિમો તેમની પસંદગી મુજબ વક્ફ મિલકતોનું સંચાલન કરવાનો તેમનો અધિકાર ગુમાવશે.

જમિયત ઉલેમા-એ-હિંદે કહ્યું કે આ કાયદો મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવાનું ખતરનાક ષડયંત્ર છે. અમારા રાજ્ય એકમો પણ બંધારણીય માન્યતાને હાઈકોર્ટમાં પડકારશે.

અરજીઓમાં કયા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે?

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીઓમાં અરજદારોએ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનની દલીલ કરતા કહ્યું છે કે આ બિલ ધાર્મિક બાબતોના સંચાલનમાં સ્વતંત્રતાને અસર કરે છે, જે બંધારણના અનુચ્છેદ 26 હેઠળ લઘુમતી સમુદાયોને આપવામાં આવે છે. ખાસ કરીને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાની જોગવાઈ અને વકફ મિલકતો પર સરકારને વધુ નિયંત્રણ આપવાની જોગવાઈને મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારોમાં દખલ માનવામાં આવી રહી છે.

અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિલ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે માત્ર મુસ્લિમ સમુદાયની વક્ફ મિલકતોને લક્ષ્ય બનાવે છે, જ્યારે અન્ય ધર્મોના ટ્રસ્ટ અથવા ધાર્મિક સંસ્થાઓ પર સમાન જોગવાઈઓ લાગુ કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *