વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલે ઉજવાતો “વર્લ્ડ હેરિટેજ ડે” એ વૈશ્વિક વારસાની જાળવણી અને પ્રચાર માટે મહત્વનો દિવસ છે. ગુજરાત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં ચાર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સ સહિત કુલ 18 પ્રકારના હેરિટેજ સ્થળો આવેલાં છે, જેમને દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે આવક મળી રહી છે.
યુનેસ્કો દ્વારા ચાંપાનેર-પાવાગઢ, રાણીકી વાવ (પાટણ), ધોળાવીરા અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા અપાઈ છે. આ સાઈટ્સની સંરક્ષણ વ્યવસ્થા અને પ્રવાસી સુવિધાઓમાં સુધારાને કારણે, વર્ષ 2024 દરમિયાન કુલ 12.88 લાખથી વધુ પ્રવાસીઓએ આ ચાર સાઈટની મુલાકાત લીધી હતી.
અમદાવાદ હેરિટેજ સિટી: 7.15 લાખથી વધુ પ્રવાસીઓ
રાણીકી વાવ (પાટણ): 3.64 લાખથી વધુ
ધોળાવીરા: 1.60 લાખથી વધુ
ચાંપાનેર-પાવાગઢ: 47 હજારથી વધુ
ચાંપાનેર-પાવાગઢને વર્ષ 2004માં ગુજરાતની સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો હતો. આ સ્થળ માત્ર સ્થાપત્ય અને ઇતિહાસ માટે નહીં, પણ ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. અહીં આવેલું કાલિકા માતાનું મંદિર ભારતના મહત્વના શક્તિપીઠોમાંનું એક છે, જેની સ્થાપના આઠમી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી.રાજ્ય સરકાર અને યુનેસ્કો સાથેના સહયોગથી આ હેરિટેજ સાઈટ્સને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી ભાવિ પેઢીઓને પણ આ વારસો જોઇને અનુભવી શકે.
રાણકીવાવ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. આ ઐતિહાસિક વાવનું નિર્માણ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી અને જૂનાગઢના રાજા રા’ખેંગારની પુત્રી ઉદયમતીએ 11મી સદીના અંતભાગમાં કર્યું હતું. યુનેસ્કોએ વર્ષ 2014 માં રાણકીવાવને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો છે. આ વાવ જોવા દેશ-વિદેશથી હજારો પર્યટકો આવે છે. તેમાં સાત માળનું બાંધકામ જયા પ્રકારની વાવ વાળું છે. વાવમાં અનેક દેવી-દેવતાઓની સાથે આકર્ષક અપ્સરાઓ અને નાગ-કન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. વાવમાં એક નાનો ભેદી દરવાજો પણ જોવા મળે છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી જાંબલી રંગની 100 રૂપિયાની ચલણી નોટ ઉપર રાણકીવાવની તસ્વીર જોવા મળે છે.યુનેસ્કોએ વર્ષ 2017માં અમદાવાદના કોટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટીનો દરજ્જો એનાયત કરાયો હતો.