ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન – છેલ્લા 15 વર્ષમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો થયાં છે. આ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ નર્મદા પાઇપલાઇનને અવરોધીને તળાવનો એક ભાગ કચરાથી ભરી દીધો હતો અને તેના પર મકાનો બનાવ્યાં હતા. આ દબાણોને હટાવવા માટે તંત્રએ મોડીરાતથી જ બુલડોઝર અને ટ્રકો ખડકી દીધાં હતા. ડ્રોનની મદદથી સમગ્ર કાર્યવાહી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
લલ્લા બિહારી ના ગેરકાયદે ફાર્મ હાઉસ તોડી પડાયું
ડિમોલિશનની શરૂઆત દબાણ માફિયા મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી ના ફાર્મ હાઉસથી કરવામાં આવી. લલ્લા બિહારીએ 2000 વર્ષમાં ગેરકાયદે રિસોર્ટ બનાવ્યું હતું, જેમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન, ફુવારા અને પાર્ટીઓ માટેની વિશેષ જગ્યા સામેલ હતી. આ રિસોર્ટમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપવામાં આવતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને AMC ની ટીમે રિસોર્ટ પર દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા. લલ્લા બિહારી ઓપરેશન શરૂ થાય તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. તેના પર CAA (નાગરિકત્વ સુધારાકાયદો) વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલાનો પણ આરોપ છે.
બોગસ ડોક્યુમેન્ટ્સ નો ખેલ
ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોરોએ બોગસ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી લીધા હતા. લલ્લા બિહારી દરેક વ્યક્તિ પાસેથી ₹10,000 થી ₹15,000 રૂપિયા વસૂલીને ગેરકાયદે લોકોને આશરો આપતો હતો. આ બોગસ ડોક્યુમેન્ટ્સની તપાસ માટે પોલીસે વિશેષ ટીમ રચી છે, જે આગળની કાર્યવાહી કરશે.