ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ,અમદાવાદમાં મહિલાનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસ- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના નાગરિકો અને સ્વાસ્થ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં હાલ 320 એક્ટિવ કોરોના કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્ય દેશમાં કેરળ (1400 કેસ), મહારાષ્ટ્ર (485 કેસ), અને દિલ્હી (436 કેસ) બાદ ચોથા ક્રમે છે.

અમદાવાદમાં કોરોનાનું કેન્દ્ર
ગુજરાતમાં કોરોનાના કેસ- ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે, જે રાજ્યના કુલ કેસનો મોટો હિસ્સો દર્શાવે છે. મે મહિનામાં અમદાવાદમાં 230 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 56 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 163 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા ત્રણ દિવસમાં એક જ દિવસમાં 35 નવા કેસ નોંધાયા હતા, અને અમદાવાદમાં એક મહિલાનું કોરોનાને કારણે મૃત્યુ પણ થયું છે.

અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો, પશ્ચિમ ઝોનમાં 45 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 43 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 33 કેસ, દક્ષિણ ઝોનમાં 18 કેસ, મધ્ય ઝોનમાં 7 કેસ, અને ઉત્તર ઝોનમાં 2 કેસ નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેર હાલ કોરોનાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 3758 પર પહોંચી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 363 નવા કેસ નોંધાયા છે. રાજ્યોની વાત કરીએ તો, કેરળમાં 1400, મહારાષ્ટ્રમાં 485, દિલ્હીમાં 436, પશ્ચિમ બંગાળમાં 287, તમિલનાડુમાં 199, ઉત્તર પ્રદેશમાં 149, રાજસ્થાનમાં 62, પુડ્ડુચેરીમાં 45, હરિયાણામાં 30, અને આંધ્રપ્રદેશમાં 23 એક્ટિવ કેસ છે. આ આંકડા સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ પર આધારિત છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ
સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિકોને સાવચેતી રાખવા અને મૂળભૂત સુરક્ષા પગલાં અપનાવવા જણાવ્યું છે. આમાં ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું, હાથની સ્વચ્છતા જાળવવી, અને મોટા સમૂહમાં ભેગા થવાનું ટાળવું શામેલ છે. ભારતીય સરકારનું ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો –  મુંબઈને હરાવીને પંજાબની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, શ્રેયસની વિસ્ફોટક બેટિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *