વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, જેના કારણે સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો છે. ખાસ કરીને વાપી શહેરમાં ભારે વરસાદે હાલત બેહાલ કરી દીધી છે. માત્ર બે કલાકમાં 4 ઈંચ અને કુલ 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
વાપીમાં જળબંબાકારની સ્થિતિ
વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: વાપીની મુખ્ય બજાર, સ્ટેશન રોડ, ગીતાનગર, રેલવે અન્ડરપાસ અને GIDC વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરવડ વિસ્તારની સાઈ આસ્થા સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી ભરાયું છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલે જતાં બાળકો પણ વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. આ સ્થિતિને લઈને રહીશોએ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.
નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ
વલસાડના નેશનલ હાઈવે 48 પર પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. હાઈવે પર પાણી ભરાતાં રસ્તો ટાપુમાં ફેરવાયો હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. પારડીના બગવાડા ટોલનાકા પાસે જળબંબાકારની સ્થિતિને કારણે અમદાવાદ-મુંબઈ ટ્રેક પર વાહન વ્યવહાર ખોરવાયો છે. પરિણામે, 5થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રશાસન પર ઉઠતા સવાલો
ભારે વરસાદને કારણે સર્જાયેલી આવી પરિસ્થિતિએ નગરપાલિકા અને સ્થાનિક વહીવટીતંત્રની તૈયારીઓ પર પણ સવાલો ઉભા કર્યા છે. રહીશો માંગ કરી રહ્યા છે કે પાણી નિકાલની વ્યવસ્થાને મજબૂત કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળી શકાય
આ પણ વાંચો – મહેમદાવાદમાં બોગસ દલાલોથી સાવધાન, જમીન ખરીદતા પહેલા ચેતી જજો! નહીંતર પસ્તાશો…