ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આજે વહેલી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વરસાદે ભારે તાંડવ મચાવ્યો છે. મહુધામાં 157 મિ.મી જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાણા વિસ્તાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક વિસ્તારમાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું જેના લીઘે મુશ્કેલી સર્જાઇ હતી.
નોંધનીય છે કે મહુધા શહેરના વોર્ડ નંબર 2માં ધોધમાર વરસાદને કારણે ફીણાવ ભાગોળ, મુસીબત નગર, દૂધી ફળી અને ખાડિયા પર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. આ પડકારજનક સમયમાં વોર્ડ નંબર 2ના ઉત્સાહી કાઉન્સીલર સહેજાદ મલેક (બોટની)એ ત્વરિત પગલાં લઈને અસરગ્રસ્ત લોકો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. નીચાણવાળા વિસ્તારોના 300 થી 400 લોકોને ગુજરાતી શાળામાં સ્થળાંતર કરાવ્યા હતા, સરકારી તંત્ર સાથે મળીને તેમણે રહેવાની સુવિધા કરાવવાની ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત વિસ્તારમાં સ્વખર્ચે ફૂડ પેકેટનું વિતરણ કરાવ્યું હતું. વિસ્તારની મુલાકાત લેવા પોતે પાણીમાં ઉતરીને ઘરે ઘરે પહોંચ્યા હતા.
મહુધા વોર્ડ નંબર-2ના કાઉન્સીલર સહેજાદ મલેકે જણાવ્યું હતું કે અમારું પ્રથમ ધ્યેય લોકોની સુરક્ષા અને સુખાકારી છે. ભારે વરસાદથી ઉદ્ભવેલી મુશ્કેલીઓનો સામનો કરવા અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ અને દરેક અસરગ્રસ્ત વ્યક્તિને રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચો- ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહેમદાવાદમાં 6 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ,અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ