યાર ગદ્દાર! મહેમદાવાદના ફારવે-ટ્રાન્સર્પોર્ટના માલિકની મિત્રોએ જ કરી હત્યા! મૃતકે હોમગાર્ડમાં અદભૂત સેવા આપી હતી!

મહેમદાવાદ: શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સલીમ રહીમુદ્દીન મલેકને મિત્રો દ્વારા  જ તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના વસો પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વસો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સલીમભાઇને પોતાના અતિવિશ્વાસુઓ એ જ મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સલીમભાઇ સાથે આ ત્રણેય આરોપીઓની સારી મિત્રતા હતી,અવારનાવર હોટલમાં સાથે જમવા પણ જતા હતા.
મળતી માહિતી અનુસાર, સલીમ રહીમુદ્દીન  મલેક ગતરોજ મોડી રાત્રે ઈજાગ્રસ્ત હાલતમાં વસો તાલુકાના રણછોડપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. સ્થાનિકોએ તેમને જોઈ તુરંત તેમના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો રણછોડપુરા પહોંચ્યા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ સલીમભાઈનું મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ સ્વબચાવ માટે ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જેમાં મૃતકે કેટલાક શખ્સોનાં નામ બોલ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ વીડિયોના આધારે તપાસ કરી રહી છે.
મૃતક સલીમભાઇ મલેક
મૃતકના ભાણેજ મલેક મહંમદસહીદ સફીયાણાએ જણાવ્યું કે, રાત્રે 9:06 વાગ્યે તેમને ફોન આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે સલીમભાઈને છરાના ઘા મારવામાં આવ્યા છે. તેઓ તુરંત પરિવારજનો સાથે રણછોડપુરા પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં 108 એમ્બ્યુલન્સના તબીબોએ સલીમભાઈને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ તપાસ 
ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યું કે, આ હત્યાનો ગુનો વસો પોલીસ મથકે નોંધાયો છે. સલીમભાઈ ગતરોજ સાંજે 7:30 વાગ્યે પોતાના ત્રણ મિત્રો – મનુભાઈ આમલેટવાળા, સાજીદ વ્હોરા (રીક્ષા ચાલક) અને હિમાંશુ દેસાઈ સાથે ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત્રે 9 વાગ્યે તેઓ ઈજાગ્રસ્ત હાલતમાં રણછોડપુરા ખાતે રયજીભાઈના ઘરે પહોંચ્યા હતા. રયજીભાઈએ માનવતા દાખવી 108ને જાણ કરી અને વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં મૃતકે આરોપીઓના નામ બોલ્યા હતા.
હત્યાનું કારણ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હત્યા પાછળ પૈસાની લેવડદેવડનો વિવાદ હતો. મૃતક સલીમભાઈ આરોપીઓ પાસે રૂપિયા માંગતા હતા, જે વાહનની લેવડદેવડના વ્યવસાય સાથે સંબંધિત હતું. મૃતકને ગળા અને પેટના ભાગે છરાના ઘા મારવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.
હોમગાર્ડ તરીકે અદભૂત સેવા આપી હતી
મૃતક સલીમ રહેમુદ્દીન મલેક ફારવે માત્ર એક સફળ ટ્રાન્સપોર્ટ વ્યવસાયી જ નહોતા, પરંતુ હોમગાર્ડ તરીકે પણ તેમણે પોતાની અદભૂત સેવાઓથી સમાજમાં એક વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેઓ હંમેશા સમાજસેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા અને કોઈપણ આપત્તિ કે કટોકટીના સમયે તેમનો સેવાભાવ સ્પષ્ટ દેખાતો. પછી તે પૂરની પરિસ્થિતિ હોય, કુદરતી આફત હોય કે અન્ય કોઈ જાહેર સુરક્ષાનું કાર્ય, સલીમભાઈ નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ માટે હાજર રહેતા. તેમની નિષ્ઠા, નમ્રતા અને કર્તવ્યપરાયણતાને કારણે સ્થાનિક સમુદાયમાં તેમનું ખૂબ સન્માન થતું હતું, અને તેમની આ સેવાઓએ ઘણા લોકોના હૃદયમાં તેમના માટે આદરની લાગણી ઉભી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *