Library: ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. આ યોજના અંતર્ગત તાલુકા સ્તરે 71 નવી સરકારી લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષે 21 જિલ્લાના 50 તાલુકાઓ અને 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 64 લાયબ્રેરી શરૂ કરવાની યોજના હતી, જેમાંથી 53 કાર્યરત થઈ ગઈ છે, જ્યારે 11નું કામ પ્રગતિમાં છે. હાલ ગુજરાતમાં 33 જિલ્લા લાયબ્રેરી, 150 તાલુકા લાયબ્રેરી સહિત મધ્યસ્થ લાયબ્રેરી, ફરતી લાયબ્રેરી, રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, સ્ટેટ આર્ટ લાયબ્રેરી અને મહિલા ગ્રંથાલયો મળીને કુલ 197 સરકારી લાયબ્રેરી કાર્યરત છે.
Library: રાજ્યની મધ્યસ્થ લાયબ્રેરીઓમાં દરરોજ 500થી વધુ નાગરિકો વાંચનનો લાભ લઈ રહ્યા છે. જિલ્લા લાયબ્રેરીઓમાં 150થી વધુ, વાંચન સુવિધા ધરાવતી જિલ્લા લાયબ્રેરીઓમાં 250થી વધુ અને તાલુકા લાયબ્રેરીઓમાં 100થી વધુ વાચકો દરરોજ પુસ્તકોનો આનંદ માણે છે. આદિજાતિ વિસ્તારોમાં પણ વાંચન પ્રત્યે જાગૃતિ લાવવા 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેનાથી આદિવાસી સમુદાયોને વાંચનની સુવિધા મળી રહી છે.
Library: દર વર્ષે 6 સપ્ટેમ્બરે ઉજવાતો ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ નાગરિકોને વાંચનનો આનંદ માણવા અને પુસ્તકો પ્રત્યે પ્રેમ કેળવવા પ્રેરે છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને વાંચનની પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સરકારની આ પહેલથી ગુજરાતમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે અને નાગરિકો જ્ઞાનના સાગરમાં ગોતા ખાઈ શકશે.