ગુજરાત ભારતીય જનતા પાર્ટી (GUJARAT BJP) ના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશથી, પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયાને લઈને કમલમ (પ્રદેશ કાર્યાલય) ખાતે ધમધમાટ શરૂ થયો છે. નવા પ્રદેશ પ્રમુખ માટેનું સત્તાવાર નોટિફિકેશન અને ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો મુજબ, આ વખતે ઓબીસી (અન્ય પછાત વર્ગ) ઉમેદવાર પર પસંદગીની મહોર મારવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ચૂંટણી કાર્યક્રમની વિગતો
(GUJARAT BJP) જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આવતીકાલે શુક્રવારે સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ, બપોરે ૩:૦૦ થી ૪:૦૦ દરમિયાન ફોર્મની ચકાસણી કરવામાં આવશે, અને સાંજે ૫:૩૦ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ સમયમર્યાદા રહેશે.શનિવારે સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા યોજાશે, અને નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત બપોરે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ રીતે કરવામાં આવશે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સક્રિય થઈ રહ્યા હોવાથી, ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટે નવા નેતૃત્વની જરૂરિયાત અનુભવી રહ્યું છે. આ પસંદગી રાજ્યના વિવિધ મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ઊંડી ચર્ચા કર્યા બાદ જ આખરી કરાશે.
ઓબીસીમાંથી પસંદગીની વાત કરીએ તો, જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણ જેવા નામો હાલમાં ચર્ચામાં મોખરે છે. જોકે, આગામી બે દિવસમાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે. નવા અધ્યક્ષની જાહેરાત સાથે જ ભાજપના કાર્યકરોમાં એક નવી ઊર્જાનો સંચાર થવાની સંભાવના છે.
આ પણ વાંચો: અડાલજ હત્યાકાંડ: સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત,3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ

