અમદાવાદ-ભાવનગર વચ્ચે પ્રીમિયમ AC બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી દોડશે, ભાડામાં પણ કરાયો ઘટાડો

GSRTC Dholera Expressway

GSRTC Dholera Expressway : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે એસ.ટી. બસોના રૂટમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય મુજબ, અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમિયમ એસી (AC) બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે’ પરથી પસાર થશે. આ નવા રૂટના કારણે મુસાફરોના સમયની બચત થવાની સાથે જ ભાડાના દરમાં પણ મોટી રાહત મળશે.

GSRTC Dholera Expressway : દર કલાકે મળશે બસ અને ભાડું થયું ₹336

એસ.ટી. નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન વ્યવસ્થા હેઠળ મુસાફરોને સીધો આર્થિક ફાયદો કરાવવામાં આવ્યો છે.અમદાવાદ તેમજ ભાવનગર બંને તરફથી દૈનિક ધોરણે સવારે 5:00 કલાકથી શરૂ કરીને સાંજે 6:00 કલાક સુધી દર કલાકે બસ સુવિધા મળશે, જેમાં કુલ 24 ટ્રીપોનું સંચાલન આ નવા હાઈવે પરથી થશે. આ ઉપરાંત ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ પ્રીમિયમ એસી બસોને પણ આ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવી છે. નવા રૂટના કારણે અંતર અને સમય ઘટતા અમદાવાદ-ભાવનગરનું ભાડું હવે ઘટાડીને ₹336 નિયત કરવામાં આવ્યું છે, જે મુસાફરોને અંદાજે ₹15 જેટલો આર્થિક ફાયદો કરાવશે.

અમદાવાદ-સુરત વચ્ચે ‘નોનસ્ટોપ વોલ્વો’ સેવા શરૂ

ભાવનગર રૂટ ઉપરાંત, ભારત સરકાર દ્વારા નવનિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે’ ના ગુજરાતના ખંડ પરથી પણ નવી લક્ઝુરિયસ વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે અમદાવાદના નહેરુનગરથી સુરત વચ્ચે ‘નોનસ્ટોપ વોલ્વો સર્વિસ’ શરૂ કરાઈ છે. આ બસ રોજ સવારે 6:45 કલાકે નહેરુનગર (અમદાવાદ) થી ઉપડી સુરત જશે અને પરતમાં બપોરે 1:00 કલાકે સુરતથી ઉપડી નહેરુનગર આવશે. એક્સપ્રેસ હાઈવેના આ આધુનિક રૂટના કારણે નહેરુનગરથી સુરતનું ભાડું ₹687 નક્કી કરાયું છે, જે જૂના રૂટની સરખામણીએ મુસાફરોને સીધો ₹61 જેટલો મોટો ફાયદો આપશે. આ તમામ રૂટોનું એડવાન્સ બુકિંગ નિગમની સત્તાવાર વેબસાઇટ કે મોબાઈલ એપ પરથી ઓનલાઈન કરી શકાશે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીને USમાં મોટી રાહત: અમેરિકી ન્યાય વિભાગે તમામ ફ્રોડ કેસ સત્તાવાર રીતે બંધ કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *